India-Maldives Row: માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહોયા છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ રવિવારે (14 જાન્યુઆરી) ફરી એકવાર 'ઈન્ડિયા આઉટ' નો રાગ આલાપ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના સમાચાર અનુસાર, મોહમ્મદ મુઈઝુએ માલદીવમાંથી ભારતની સૈન્ય દળોને હટાવવાની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. આ સાથે તેમણે ભારતને 15 માર્ચનું અલ્ટીમેટમ આપ્યું છે. આ પહેલા માલદીવે બે મહિના પહેલા ભારતીય સૈનિકોને હટાવવાની માંગ કરી હતી. જો સરકારી આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો માલદીવમાં 88 ભારતીય સૈનિકો છે.
મોહમ્મદ મુઈઝુ હવે ભારત વિશે સતત તીખા નિવેદનો આપી રહ્યા છે
ચીનની તાજેતરની મુલાકાત બાદ સ્વદેશ પરત ફરેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ હવે ભારત વિશે સતત તીખા નિવેદનો આપી રહ્યા છે. શનિવારે (13 જાન્યુઆરી) પણ મુઈઝુએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેનું નામ લીધા વિના આડકતરી રીતે ભારત પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું હતું કે અમે ભલે નાના હોઈએ પરંતુ તેનાથી અમને ધમકાવવાનું લાયસન્સ કોઈને મળતું નથી.
માલદીવના રાષ્ટ્રપતિ અને વહીવટી નીતિનો ઉલ્લેખ કર્યો
સનઓનલાઈન અખબારના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ કાર્યાલયમાં પબ્લિક પોલિસી સેક્રેટરી અબ્દુલ્લા નાઝીમ ઈબ્રાહિમે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે રાષ્ટ્રપતિ મુઈઝુએ ઔપચારિક રીતે ભારતને 15 માર્ચ સુધીમાં તેના સૈનિકો પાછા ખેંચવા માટે કહ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકો માલદીવમાં રહી શકે નહીં. માલદીવ સરકારની નીતિને ટાંકીને નાઝિમે કહ્યું કે આ રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ મુઇઝ્ઝુ અને તેમના વહીવટીતંત્રની નીતિ છે.
ચીનની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળ્યા હતા
તાજેતરમાં, PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને મુઈઝુ સરકારના 3 મંત્રીઓ અને તેમની પાર્ટીના નેતાઓ દ્વારા અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આના પર તેમને દૂર કરવામાં આવ્યા હતા. આમ છતાં બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. મુઈઝુએ તેમની 5 દિવસની ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી. આ પછી દરરોજ માલદીવ તરફથી ભારતને લઈને અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે.