નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે આતંકી મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી દીધો છે. જૈશ-એ- મોહમ્મદે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો. જેના બાદ ભારત સતત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

મસૂદ અઝહર ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર 13 માર્ચના રોજ યુએનની બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ચીને ટેક્નિકલ આધારે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. પરંતુ આ પ્રસ્તાવ પર ચીન રાજી થતાં સંયૂક્ત રાષ્ટ્રએ મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરી દીધો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંગળવારે આ મામલે સંકેત આપી દીધા હતા કે સુરક્ષા પરિષદની 1267 સમિતિમાં ચાલી રહેલી વાતચીતમાં સકારાત્મક પ્રગતિ થઈ છે.


મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર સયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના સદસ્ય દેશ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સતત પ્રયાસ કરી રહ્યાં હતા. પરંતુ ચીન વારંવાર વીટો લગાવી દેતું હતું. ચીને અત્યાર સુધી ચાર વખત વીટો લગાવી ચુક્યું છે. પરંતુ પાંચમી વખત મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર રાજી થઈ ગયું.
ગ્લોબલ આતંકી જાહેર થયા બાદ હવે મસૂદ અઝહર કોઈ પણ દેશમાં યાત્રા નહીં કરી શકે. મસૂદની સમગ્ર દુનિયામાંથી સંપત્તિ જબ્ત કરવામાં આવશે. મસૂદ કોઈ પણ દેશમાંથી હથિયાર નહીં ખરીદી શકે અને સૌથી મોટી વાત એ કે પાકિસ્તાન સમગ્ર દુનિયા સામે જાહેરમાં મસૂદ અઝહરનો બચાવ પણ કરી શકશે નહીં.