કીવઃ યુક્રેન પર રશિયાના હુમલાઓ સતત ચાલી રહ્યા છે. યુક્રેનના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં 198 નાગરિકોના મોત થયા છે. યુક્રેન પર હુમલાને લઇને દુનિયાભરમાં રશિયાનો વિરોધ થઇ રહ્યો છે. રશિયાના શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતરી પોતાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ કરી રહ્યા છે.


બીજી તરફ જર્મનીની રાજધાની બર્લિનમાં પણ સામાન્ય લોકો રસ્તા પર ઉતરી રશિયાનો વિરોધ કરી રહ્યા છે. લગભગ એક લાખથી વધુ લોકોએ રશિયાના હુમલાનો વિરોધ કરી અને યુક્રેન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા રેલી કાઢી હતી.






આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કલેવાએ પ્રદર્શનકારીઓના ફોટો શેર કરતા લખ્યું કે આપણે તમામ લોકોએ રશિયા પર ત્યાં સુધી દબાણ કરતું રહેવું પડશે જ્યાં સુધી રશિયાની સેના યુક્રેનમાંથી બહાર નથી થઇ જતી.


બર્લિનમાં એક લાખથી વધુ પ્રદર્શનકારી રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો યુક્રેન પર રશિયાના હુમલાનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ પ્રદર્શનના કારણે જર્મનીની રાજધાની બર્લિનમાં અનેક સ્થળો પર ટ્રેન અને અન્ય સર્વિસ પણ પ્રભાવિત રહી હતી. પ્રદર્શનકારીઓના હાથમાં 'Stop the War', Putin's last war, 'We stand with Ukraine' જેવા પ્લેકાર્ડ હતા.


બ્રિટનમાં પણ  વિરોધ પ્રદર્શન


બ્રિટનના અલગ અલગ હિસ્સાઓમાં હુમલાના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું. લંડનમાં રશિયન દૂતાવાસની સામે સેંકડો પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા.