નવી દિલ્લીઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુશર્રફે મસૂદ અઝહરને 'આતંકવાદી' ગણાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ઘણા બોંબ બ્લાસ્ટમાં તે સામેલ રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ મુશર્રફે એક ભારતીય ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મસૂદ અઝહર પાકિસ્તાનના વિવિધ બ્લાસ્ટમાં શામેલ રહ્યો છે. જો કે મુશર્રફે ચીન દ્વારા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર નહિ કરવાને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી.
મુશર્રફે આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી નવાજ શરીફે પાકિસ્તાનને વૈશ્વિક સ્તર પર એકલુ પાડી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનામાં આક્રમક્તાની કમી છે. જનરલ મુશર્રફે કાશ્મીર ઘાટીમાં ઠાર મારવામાં આવેલા હિજબુલ મજાહિદ્દીનના કમાંડર વાનીને 'યુવા નેતા' ગણાવ્યો હતો. મુશર્રફે વધુમાં જણાવ્યું હતું કે, હું સેનામાં રહી ચુક્યો છું અને હું સારી રીતે જાણું છું કે, કોને નેતા કહેવાય અને કોને ના કહેવાય.