નવી દિલ્હીઃ ભારત દ્વારા પાકિસ્તાનના ઉચ્ચાયુક્તના એક સ્ટાફને જાસૂસીના આરોપસર 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યા બાદ બદલાની કાર્યવાહી કરતાં પાકિસ્તાને પણ એક ભારતીય અધિકારીને પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.


પાકિસ્તાને ભારતીય ઉચ્ચાયુક્તને હાજર થવા આદેશ આપ્યો અને ભારતીય સુરજીત સિંહને પાકિસ્તાન છોડવા માટે કહ્યું. આ સંબંધમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સુરજીત સિંહને 'અનિચ્છનીય' વ્યક્તિ જાહેર કર્યા.

જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાને ગુરુવારે ભારતીય હાઈ કમીશનના એક અધિકારીને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કર્યા અને તેને 48 કલાકમાં પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો. વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, નિર્ણયની જાણ પાકમાં ભારતીય ઉચ્ચાયુક્ત ગૌતમ બંબાવલને કરવામાં આવી છે, જેને વિદેશ મંત્રાલયે હાજર થવા આદેશ આપ્યો હતો.

નિવેદનમાં કહ્યું કે, વિદેશ સચિવ (એજાજ ચૌધરી)એ ભારતીય ઉચ્ચાયુક્તને ગુરુવારે હાજર થવા કહ્યું અને ભારતીય ભારતીય હાઈ કમીશનના એક અધિકારી સુરજીત સિંહને અનિચ્છનીય જાહેર કરવાના પાકિસ્તાનની  નિર્ણયની જાણકારી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વિદેશ સચિવે ભારતીય અધિકારીની ગતિવિધિઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી, જે વિયના સંધિ અને સ્થાપિત કૂટનીતિક માપદંડોનું ઉલ્લંઘન છે.

ભારતીય હાઈ કમીશનને કહેવામાં આવ્યું કે, તે સિંહ અને તેના પરિવારને 29 ઓક્ટોબર સુધી પાકિસ્તાન છોડવા માટે જરૂરી વ્યવસ્થા કરે.

આ પહેલા ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમીશનના એક કર્મચારીને જાસૂસીના આરોપસર દેશ છોડવાનો આદેશ આપ્યો હતો.