લાહોરઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ધરપકડના ત્રણ વર્ષ બાદ પ્રથમ વખત સોમવારે કોન્સુલર એક્સેસ આપ્યું હતું. પાકિસ્તાનમાં ભારતીય ડેપ્યૂટી હાઇ કમિશ્નર ગૌરવ અહલુવાલિયાએ ઈસ્લામાબાદમાં કુલભૂષણ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ક્યાં થઈ તે અંગે જાણકારી આપવામાં આવી નથી. જોકે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ મુલાકાત પાકિસ્તાન વિદેશ મંત્રાલય (ઈસ્લામાબાદ)માં થશે. ગૌરવ અહલુવાલિયા અને કુલભૂષણ જાધવ વચ્ચે આ મુલાકાત આશરે અઢી કલાક સુધી ચાલી હતી.

ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે 12.30 કલાકે જાધવ અને અહલુવાલિયા વચ્ચે વચ્ચે મુલાકાત થઈ હતી. સુરક્ષાના કારણોસર ક્યાં મીટિંગ થઈ તે મીડિયાને જણાવવામાં આવ્યું નહોતું. પાકિસ્તાન તરફથી કુલભૂષણ જાધવને બે કલાક માટે કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યું છે.


કુલભૂષણ જાધવને 2017માં પાકિસ્તાની એક કોર્ટે મોતની સજા સંભળાવી હતી. પરંતુ ભારતે તેની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી અને ત્યાં ભારતને સફળતા મળી હતી. આ લાંબી લડત પછી પાકિસ્તાન કુલભૂષણ જાધવને આંતરરાષ્ટ્રીય નિયમો અંતર્ગત કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર હતું.