નવી દિલ્હીઃ એન્ટીગુઆ અને બારબૂડાની સરકાર તરફથી ભારતને જાણ કરવામાં આવી છે કે કોઇ દ્ધિપક્ષીય સંધિના અભાવમાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ સંભવ છે કારણ કે બંન્ને દેશ કોમનવેલ્થ દેશના સભ્યો છે.


એન્ટીગુઆ અને બારબૂડા સરકાર વિચાર કરી રહી છે કે 1993ની પ્રત્યાર્પણ કાયદાની કલમ 7 હેઠળ શક્ય બને છે કે નવી દિલ્હીના આવેદન અનુસાર, મેહુલ ચોક્સીને ભારત પાછો મોકલી શકાય. એક અંગ્રેજી અખબારના ન્યૂઝ અનુસાર, એન્ટીગુઆ અને બારબૂડા સરકાર તરફથી જાણકારી ત્યાંના વિદેશ મંત્રી ઇ પી ચેટ ગ્રીન અને સોલિસિટર જનરલ માર્ટિન કમાકોએ મુલાકાત દરમિયાન ભારતીય રાજદૂતને આપી છે.

જોકે, સીબીઆઇએ એન્ટીગુઆ પાસે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ સંબંધી પ્રક્રિયા અગાઉથી જ શરૂ કરી દીધી છે. સીબીઆઇએ આ અરજી સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલનના નિયમો અનુસાર કરી છે જેના પ્રત્યે બંન્ને દેશો બાધ્ય છે. સિયોલમાં યોજાયેલા જી-20 સંમેલન દરમિયાન ભારતે UNCAC  સંધિ પર સહમતી વ્યક્ત કરતા હસ્તાક્ષર કર્યા હતા અને એન્ટીગુઆએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. જે અનુસાર, UNCAC પર હસ્તાક્ષર કરનારા દેશોને સંયુક્ત રાષ્ટ્રની સંધિને માનવી પડે છે અને તેને પોતાને ત્યાં લાગુ કરવી પડે છે.