નવી દિલ્હીઃ અમેરિકા અને ઇરાનની વચ્ચે ચાલી રહેલ ઘર્ષણની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. યૂક્રેનના યાત્રી વિમાન ઘટનાને લઈને ઇરાને મોટો ખુલાસો કર્યો છે. ઇરાનની સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે, માનવીય ચૂકને કારણે યૂક્રેનનું યાત્રી વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. જણાવીએ કે 8 જાન્યુઆરીએ ઇરાનમાં યૂક્રેનનું વિમાન ક્રેશ થયું હતું. આ ક્રેશમાં 176 પ્રવાસીઓના મોત થયા હતા.

ઇરાનના વિદેશ મંત્રીએ માગી માફી

ઇરાનના વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું, ‘આ એક દુખદ દિવસ છે, અમરી સેના દ્વારા કરવામાં આવેલ શરૂઆતની તપાસમાં એ જાણવા મળ્યું કે, અમેરિકાના દુસ્સાહસને કારણે માનવીય ભૂલ થઈ જે એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. અમને તેના માટે દુખ છે અને અમે અમારા લોકો, તેમના પરિવાર અને એ દેશોની માફી માગીએ છીએ જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.’


શરૂઆતમાં ઇરાને આ પ્રકારના કોઈપણ હુમલનો ન થયું હોવાનું કહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રૂડો સહિત અનેક દેશોએ ઇરાનને આ દુર્ઘટના માટે જવાબદાર ગણાવ્યું હતું. દુર્ઘટનામાં સૌથી વધારે 83 ઇરાની નાગરિક માર્યા ગયા હતા. ઉપરાંત કેનેડાના 63 અને યૂક્રેનના યાત્રી પણ માર્યા ગયા હતા.

આ પહેલા અમેરિકન મીડિયાએ એક વીડિયો દ્વારા દાવો કર્યો હોત કે ઇરાની મિસાઈલે યૂક્રેનના બોઇંગ 737ને તોડી પાડ્યું હતું જેમાં 176 લોકો સવાર હતા. એ પણ કહેવામાં આવ્યું હતું કે, ઇરાને ભૂલથી યૂક્રેનના એક વિમાનને અમેરિકન એરક્રાફ્ટ સમજીને તોડી પાડ્યું હતું.