વિશ્વભરમાં મંકીપોક્સ (Monkeypox)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં મંકીપોક્સના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અહી પ્રથમ વખત મંકીપોક્સના રેકોર્ડ સંખ્યામાં કેસ નોંધાયા હતા. યુરોપમાં અત્યાર સુધીમાં લગભગ 100 મંકીપોક્સના દર્દીઓ મળી આવ્યા છે. મંકીપોક્સના કેસમાં વધારો થતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇમરજન્સી બેઠક કરી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંકીપોક્સને મહામારી જાહેર કરવી જોઈએ કે કેમ તે અંગે પણ ચર્ચા ચાલી હતી.
હાલમાં યુરોપના નવ દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાઇ ચૂક્યા છે. બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને યુકે સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં મંકીપોક્સના વધતા કેસોએ પણ ચિંતા વધારી છે. પરંતુ વધતા જતા કેસોની વચ્ચે નિષ્ણાતોનું માનવું છે કે આ રોગ મહામારી નહીં બને કારણ કે તે કોરોના જેટલી ઝડપથી ફેલાતો નથી.
આ અંગે Robert Koch Instituteના પ્રોફેસર ફૈબિયનનું કહેવું છે કે આ મહામારી લાંબા સમય સુધી રહે તેવું ખૂબ મુશ્કેલ લાગે છે. વેક્સિન પણ મંકીપોક્સની અસરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. પરંતુ WHOના યુરોપિયન ચીફ મંકીપોક્સ વિશે વધુ ચિંતિત છે. તેમના મતે જો યુરોપમાં લોકો વધુ પાર્ટીઓમાં હાજરી આપે છે, જો તેઓ ઉનાળામાં રજાઓ માણવા જાય છે, તો આ રોગ વધુ ફેલાય તેવી શક્યતા છે.
નોંધનીય છે કે યુરોપિયન દેશોમાં મંકીપોક્સનો પહેલો કેસ 7 મેના રોજ નોંધાયો હતો. તે વ્યક્તિ પણ નાઈજીરિયાથી આવ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસ આફ્રિકન દેશોમાં જોવા મળી રહ્યા છે. 2017 થી ત્યાં કેસ વધી રહ્યા છે. પરંતુ ચિંતાજનક ટ્રેન્ડ એ છે કે હવે યુરોપમાં પણ આ રોગના કેસમાં વધારો થઇ રહ્યો છે.
મંકીપોક્સના લક્ષણો વિશે વાત કરીએ તો ચેપ લાગ્યાના પાંચ દિવસમાં, તાવ, માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. તાવના એકથી ત્રણ દિવસ પછી તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે.