નવી દિલ્હીઃ ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસ હવે દુનિયાના કેટલાય દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે સ્પેનમાં કોરોના વાયરસે કેર વર્તાવ્યો છે. રવિવારે કોરોના વાયરસથી સંક્રમિત નવા 2000 કેસો સામે આવ્યા છે, એટલુ જ નહીં અહીં 24 કલાકમાં 100થી વધુ લોકો મોતને ભેટ્યા છે.


રિપોર્ટ છે કે, ઇટાલી બાદ યુરોપમાં સૌથી વધુ કોરોના વાયરસને કહેર સ્પેનમાં છે. સ્પેન તરફથી નવા આંકડા જાહેર કરવામા આવ્યા જેમાં દેશમાં કુલ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7753 સુધી પહોંચી ગઇ છે, જેમાં કુલ 288 લોકોના મોત થઇ ચૂક્યા છે.

ખાસ વાત છે કે, રવિવારના રિપોર્ટ પ્રમાણે સ્પેનમાં 24 કલાકમાં 100થી વધુ લોકોનુ કોરોનાથી મૃત્યુ થઇ છે. સ્પેનમાં હાલત ગંભીર થઇ જતા સરકારે આખા દેશમાં પાબંદીઓ લગાવવાનુ શરૂ કરી દીધુ છે. લોકોને ઘરની બહાર ના નીકળવા માટે સલાહ આપવામાં આવી રહી છે.



નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 લોકોનાં મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.