Earthquake: નેપાળમાં શુક્રવારે રાત્રે 11.32 કલાકે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી ANI અનુસાર નેપાળમાં ભૂકંપના કારણે લગભગ 69થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી રૂકુમ પશ્ચિમમાં 36 અને જાજરકોટમાં 34 લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. ઈન્ડિયા ટુડે અનુસાર નેપાળમાં આવેલા ભૂકંપમાં 140 લોકો ઘાયલ થયા છે.


નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભૂકંપના કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાહત અને બચાવ માટે તમામ 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.


નેપાળના ભૂકંપના આંચકા દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને બિહારની રાજધાની પટનામાં પણ અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં કાઠમંડુથી 331 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં હતું. ભારતમાં ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.


ગયા મહિને પણ દિલ્હી-NCRમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. તો નેપાળમાં 2015માં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 12000થી વધુ લોકોના મોત થયા હતા. આમાં લગભગ 5 લાખ ઘરોને નુકસાન થયું હતું                    


એમપીના અનેક જિલ્લાઓમાં ભૂકંપ


મધ્યપ્રદેશના ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, સતના અને રીવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યના અગર માલવા અને મોરેના જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ધરતીના આંચકા અનુભવાયા હતા. પ્રાથમિક માહિતી મુજબ રાજ્યમાં કોઈ નુકસાનની કોઈ માહિતી નથી.    


બિહારની ઘરા પણ ધ્રૂજી


બિહારમાં પટના, અરાહ, દરભંગા, ગયા, વૈશાલી, ખાગરિયા, સિવાન, બેતિયા, બક્સર, બગાહા, નાલંદા, નવાદા સહિત 11 જિલ્લાઓમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ દરમિયાન લગભગ એક મિનિટ સુધી ધરતી ધ્રૂજતી રહી. આફ્ટરશોક્સ પણ ઘણી વખત અનુભવાયા હતા. સીતામઢી, મધુબની, સુપૌલ અને દરભંગાના કેટલાક વિસ્તારો ઝોન 5માં આવે છે, જે અત્યંત જોખમી છે. રાજધાની પટના સહિત બિહારનો બાકીનો ભાગ ઝોન 4માં આવે છે, જ્યાં ભૂકંપનું જોખમ ઓછું છે.


હરિયાણાના ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. લોકો ભૂકંપ પછીની સ્થિતિની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. આમાં, પંખા અને છતની લાઇટ ધ્રૂજતી જોવા મળે છે.