Moscow Terror Attack: રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)ના વડા એલેક્ઝાન્ડર બોર્ટનિકોવે મોસ્કો આતંકવાદી હુમલાને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. ક્રોકસ સિટી હોલ હુમલાની ચાલી રહેલી તપાસ વચ્ચે બોર્ટનિકોવે મંગળવારે કહ્યું કે આ હુમલા પાછળ અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો હાથ છે. બોર્ટનીકોવે મોસ્કોમાં એક મીટિંગમાં જણાવ્યું હતું કે, "અત્યારે અમે અમારી પાસે રહેલી તથ્યાત્મક જાણકારીના આધારે વાત કરી રહ્યા છીએ."


તેમણે વધુમાં કહ્યું હતું કે યુક્રેન એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે 'ખૂબ સક્ષમ' છે. પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તેણે ઓચિંતો હુમલો કરીને આતંકવાદી કૃત્ય કર્યું છે. તેમણે ભૂતકાળમાં યુક્રેન, બ્રિટન અને અમેરિકાએ પણ રશિયામાં આવા હુમલા કર્યા હોવાનો ફરી એકવાર ઉલ્લેખ કર્યો હતો. બોર્ટનિકોવે કહ્યું કે, રશિયામાં ડ્રોન હુમલા, સમુદ્રમાં માનવરહિત બોટ પર હુમલા, તોડફોડ કરનારાઓના જૂથો અને આતંકવાદી સંગઠનોની આપણા વિસ્તારમાં ઘૂસણખોરી થઈ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ અને યુક્રેન આપણા દેશને વધુ નુકસાન પહોંચાડવા માંગે છે.


22 માર્ચે આતંકવાદીઓ મોસ્કો શહેર નજીકના આવેતા ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર અને વિસ્ફોટ કર્યો હતો. આ આતંકી હુમલામાં 139 લોકો માર્યા ગયા હતા અને 182 લોકો ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (ISIS-K)એ લીધી હતી. રશિયન સુરક્ષા દળોએ આતંકવાદી હુમલામાં સંડોવણીની શંકાના આધારે ચાર બંદૂકધારીઓ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી છે.


હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આરોપ લગાવ્યો હતો કે અમારી પ્રારંભિક માહિતી મુજબ યુક્રેને આતંકવાદીઓ માટે અમારી સરહદમાં ઘૂસવાનો રસ્તો આપ્યો હતો. પુતિને હુમલામાં સામેલ તમામ લોકોની ઓળખ કરીને તેમને સજા કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મોસ્કોની બહાર કોન્સર્ટ હોલ પર હુમલા માટે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ જવાબદાર છે, પરંતુ યુક્રેનને આ જઘન્ય અપરાધથી અલગ રાખી શકાય નહીં.


જ્યારે અમેરિકાનું કહેવું છે કે ISISએ મોસ્કોના ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કર્યો છે. યુક્રેન સરકાર આ હુમલામાં સામેલ હોવાના કોઈ પુરાવા નથી.