H1b Visa Applications : અમેરિકામાં જવા માંગતા ભારતીયો આખરે સારા સમાચાર સામે આવ્યા છે.  અમેરિકાએ હવે વિદેશી નોકરીયાતો માટે પોતાના દરવાજા ખોલી દીધા છે. અમેરિકામાં નાણાકીય વર્ષ 2023-24 માટે બહુપ્રતીક્ષિત H1B વિઝા અરજીઓ સત્તાવાર રીતે 1 માર્ચથી સ્વીકારવામાં આવશે. યુએસ ઇમિગ્રેશન એજન્સી 1 માર્ચથી કુશળ વિદેશી કામદારોની વિઝા અરજીઓ સ્વીકારશે. 


આ વિઝાની ભારતીય આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માંગ હોય છે. H-1B વિઝા એ બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકી કંપનીઓને વિશિષ્ટ વિશેષતાઓમાં વિદેશી કામદારોની ભરતી કરવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે તેના પર નિર્ભર છે.


1 માર્ચથી 17 માર્ચ સુધી અરજી સ્વીકારવામાં આવશે


યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) એ કહ્યું હતું કે, તે 1 ઓક્ટોબર, 2023થી શરૂ થતા નાણાકીય વર્ષ માટે 1 માર્ચથી 17 માર્ચની વચ્ચે H-1B વિઝા માટેની અરજીઓ સ્વીકારશે. H-1B વિઝા ધારકોને એન્જિનિયરિંગ અને મેડિસિન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં છ વર્ષ સુધી યુએસમાં કામ કરવાની અને રહેવાની મંજૂરી આપે છે. છ વર્ષ બાદ તેનાથી કાયમી રહેઠાણ અથવા ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો બને છે.


માહિતી ઓનલાઈન મોકલવામાં આવશે


USCISએ જણાવ્યું હતું કે, જો અમને 17 માર્ચ સુધીમાં પૂરતી નોંધણીઓ પ્રાપ્ત થશે તો અમે અવ્યવસ્થિત રીતે નોંધણીઓ પસંદ કરીશું અને વપરાશકર્તાઓના ઑનલાઇન એકાઉન્ટ્સ પર સૂચના મોકલીશું. એક નિવેદન અનુસાર, આ સૂચના ખાતાધારકોને 31 માર્ચ સુધીમાં મોકલવામાં આવશે.


અમેરિકા દર વર્ષે 85000 H1B વિઝા આપે છે


અમેરિકા દર વર્ષે 85,000 H-1B વિઝા જારી કરે છે જેમાંથી 20,000 અમેરિકી સંસ્થાઓમાંથી એડવાન્સ ડિગ્રી મેળવતા કામદારો માટે આરક્ષિત છે. જ્યારે બાકીના 65,000 લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે.


H-1B Visa: એચ-1B વિઝા ધારકો માટે કામના સમાચાર, વિઝા સ્ટેમ્પિંગને લઈ બાઇડેન તંત્ર લેશે મોટો નિર્ણય


અમેરિકામાં રહેતા એચ-1બી વિઝા ધારકો માટે કામના સમાચાર છે. એચ-1બી વિઝાનું સ્ટેમ્પિંગ હવે અમેરિકામાં કરવામાં આવે એવી ભલામણ પ્રેસિડેન્ટ કમિશને કરી છે. ભલામણ પછી અમેરિકાના પ્રમુખ જો બાઈડન એને મંજૂરી આપી દેશે તો અસંખ્ય ભારતીયોને એચ-1બી વિઝા મેળવવામાં સરળતા થઈ જશે. અત્યાર સુધી સ્ટેમ્પિંગ જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં થાય છે.


ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે


અત્યારે વિઝા મેળવવા માટે જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં સ્ટેમ્પિંગ માટે અરજી કરવામાં આવે છે. તેના કારણે પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. એચ-1વિઝા ધારકોને અમેરિકન કંપનીઓ નોકરી ઓફર કરે અને તેની સમયમર્યાદા પૂરી થાય તે સમયગાળા સુધીમાં ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે. અમેરિકામાં પહોંચ્યા પછી પણ ફરીથી સ્ટેમ્પિંગ કરાવવા જે તે દેશમાં આવેલી એમ્બેસીમાં જ પ્રયાસો કરવા પડે છે. તેના બદલે જો અમેરિકામાં જ સ્ટેમ્પિંગ થાય તો પ્રક્રિયા સરળ બને તેમ છે. પ્રેસિડેન્ટ કમિશન ઓન એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈસલેન્ડના સભ્યોએ પ્રમુખને સ્ટેમ્પિંગ અમેરિકામાં થાય તેવી વ્યવસ્થા માટે ભલામણ કરી છે.