મુંબઈ હુમલાનાં નેતા અને લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર જકી-ઉર-રહેમાન લખવીની શનિવારે પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિઓ માટે નાણાં પૂરા પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્લામાબાદ પર દેશમાં મુક્ત રીતે ભટકતા આતંકવાદીઓને પકડવા માટે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી લખવી 2015 થી મુંબઇ હુમલા કેસમાં જામીન પર હતો. તેની આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી) દ્વારા પંજાબ પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સીટીડીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, લખવીની લાહોરથી ધરપકડ કરવામાં આવી હતી.
લખવીએ જ 2008 માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની કાવતરું પાકિસ્તાનમાં હાજર આતંકી નેતા હાફિઝ સઇદ સાથે રચ્યુ હતું. મુંબઈ હુમલાની પૂરી યોજના લખવીએ બનાવી હતી અને તેણે હાફિઝ સઇદને આપી હતી. હાફિઝ સઇદની મંજૂરી મળ્યા બાદ, ભારે હથિયારોથી સજ્જ 10 આતંકી 26 નવેમ્બર 2008 નાં રોજ મુંબઇ શહેરમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓએ શહેરનાં મુખ્ય સ્થળોને નિશાન બનાવતા અંધાધૂંધ ગોળીયો ચલાવી હતી.