અમેરિકામાં ચાર-ભારતીય અમેરિકન સાંસદ ડો.એમી બેરા, પ્રેમિલા જયસ્વાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિએ કેપિટોલ પરિસરમાં ટ્રમ્પના સમર્થકોએ કરેલી હિંસાની નિંદા કરી છે. ટ્રમ્પના હજારો સમર્થકો કેપિટોલ પરિસરમાં ઘૂસી જતાં સાંસદોને સુરક્ષિત જગ્યાએ શરણ લેવું પડ્યું હતું.
અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ચૂંટણી હારેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાની ના પડી હોય અને સમર્થકોએ અમેરિકન સંસદમાં ઘૂસીને હોબાળો કર્યો હોય તેવું ક્યારેય બન્યું નથી. દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ આવ્યુ છે. કારણ કે જે સમયે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જૉ બાઇડનને રાષ્ટ્રપતિ જાહેર કરવા માટે અમેરિકી સંસદમાં સંયુક્ત સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે હજારોની સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં હોબાળો અને હિંસા શરૂ કરી છે. જે બાદ વોશિંગ્ટનમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
ધરણાં કરતા પ્રદર્શનકારીઓ હિંસક બનતા તેમને કાબૂમાં લેવા નેશનલ ગાર્ડે કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ પ્રમાણે નેશનલ ગાર્ડની કાર્યવાહીમાં કુલ ચાર લોકોના મોત થયા છે. હિંસા વચ્ચે ચૂંટાયેલા પ્રેસિડેંટ જો બાઇડેને ટ્રમ્પને અપીલ કરી છે કે, તેઓ ટેલિવિઝન પર આવે અને બંધારણની રક્ષા કરે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ સમર્થકો ચૂંટણી રદ કરવાની માગ કરી રહ્યા હતાં. આ દરમિયાન પોલીસે અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ.