Bomb Blast outside Hafiz Saeed House: પાકિસ્તાનમાં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના ઘરની બહાર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 15 લોકોના ઘાયલ થયાના અહેવાલ છે. હાફિઝ સઈદનું ઘર હાલોરના જોહર ટાઉન વિસ્તારમાં છે. ઘાયલોની આસપાસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના અનેક ઘરોમાં બારીઓના કાંચ અને દિવાલ તૂટી ગઈ છે. પાકિસ્તાન અખબાર ડોન ન્યૂઝના અહેવાલ અનુસાર બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે.
હુમલો કોણે કર્યો છે તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. સાથે જ હુમલા દરમિયાન હાફિઝ સઈદ પોતાના ઘરે હતો કે ન હતો, તેને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ નથી. લાહોરમાં એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે બ્લાસ્ટ ખૂબજ પ્રચંડ હતો. હાફિઝ સઈદના ઘર પર આ પ્રથમ વખત હુમલો નથી, આ પહેલા પણ હાફિઝ સઈદના ઘરે હુમલાનો પ્રયત્ન થયેલો છે.
મળતી માહિતી મુજબ વિસ્ફોટ બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટનું કારણ ટારગેટ બ્લાસ્ટ કે પછી સિલિન્ડર વિસ્ફોટ માનવામાં આવી રહ્યું છે. જો કે હજુ આ વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી.
ડોનના એક રિપોર્ટ મુજબ લાહોરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ હાલ અમારું ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર છે. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દેવાઈ છે.
કોણ છે હાફિઝ સઈદ ?
મુંબઇમાં 2008-09માં હાફીઝ સઈદે આતંકવાદી હુમલો કરાવ્યો હતો. આ પહેલાં 2001માં ભારતીય સંસદ પર હુમલામાં પણ તેનું ષડયંત્ર હતું. ત્યારબાદ 2006માં મુંબઇની ટ્રેનોમાં આતંકવાદી હુમલા પણ તેણે કરાવ્યા હતા. ભારતને આ રીતે આતંકવાદી પ્રવૃત્તિઓથી લોહીલુહાણ કરવું તેમજ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કરવી તે હાફિઝ સઈદનું કામ રહે છે. આતંકવાદી સંગઠન જમાત-ઉદ્-દાવાનો તે ચીફ છે જેને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. 2008માં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે તેના પર પ્રતિબંધ મૂક્યા છે.