નવી દિલ્હીઃ મોંગોલિયાની સરકારે પોતના દેશના લોકોને વચન આપ્યું હતું કે ગરમી આવતા જ દેશ કોરોના વિરૂદ્ધની લડાઈ જીતી જશે. બહેરીને પણ કહ્યું હતું કે, દેશમાં થોડા જ મહિનામાં સ્થિતિ પૂરી રીતે સામાન્ય થઈ જશે, કારણ કે રસીકરણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. એકદમ નાના ટાપુ સેશેલ્સે પણ જાહેરાત કરી હતી કે દેશમાં રસીકરણ ઝડપથી થવાની સાથે જ દેશમાં અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર આવી જશે. આ ત્રણેય દેશ એવા ડઝનો દેશમાં સામેલ છે જેમણે ચીનની રસી પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ હવે આ દેશોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને કોરોના વાયરસ સામે ચીનની રસી સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી છે.


ચીનની રસી ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે, માટે આ ત્રણ દેશોએ ચીનની રસી ખરીદી અને મોટા પાયે પોતાના દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ રસીકરણ બાદ આ દેશોને કોરોના વાયરસથી મુક્તિ મળવાને બદલે ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા અને દેશ કોવિડ-19ની ઝપેટમાં આવી ગયો. આ દેશોની જનસંખ્યા બિહાર અને ઉત્તર પ્રદેશ જેટલી પણ નથી, પરંતુ તેમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. ચીને વિતેલા વર્ષે પોતાની વેક્સિન ડિપ્લોમેસી અભિયાન ચલાવ્યું હતું અને વૈશ્વિક સમુદાયને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ચીનની રસી ખૂબ જ અસરકાર છે અને કોરનાના ગંભીર કેસ રોકવામાં કારગર છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, ચીનની ડિપ્લેમોસી સંપૂર્ણ રીતે ખોટી હતી.


આશ્ચર્યની વાત એ છે કે, સેશેલ્સ, ચિલી, બહરીન અને મંગોલિયા જેવા દેશોમાં 50થી 68 ટકા રસીકરણું કામ થઈ ગયું છે. આ દેશોએ રસીકરણને લઈને અમેરિકા સહિત વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. આ ચારેય દેશ રસીકરણની યાદીમાં ટોપ-10માં આવે છે પરંતુ આ દેશોમાં હવે કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 30 ટકા રસીકરણ થયા બાદ કોઈપણ દેશ પોતાને કેટલીક હદ સુધી સુરક્ષિત માની શકે છે અને 50 ટકાથી વધારે રસીકરણ થયા બાદ વાયરસ ઝડપથી ફેલાવાવનું જોખમ બિલકુલ નથી રહેતું.


ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર આ ચારેય દેશોએ પોતાના દેશમાં રસીકરણ માટે ચીનની બે રસી સિનોફર્મ અને સિનોવિક બાયોટેકનો ઉપયોગ કર્યો છે. હોંગકોંગ યૂનિવર્સિટીના વાયરસ એક્સપર્ટ જિન ડોંગયાને ફરીથી કેસ વધવાને લઈને કહ્યું કે, ઉપયોગમાં લેવામાં આવેલ રસી જો અસરકારક હોત તો વાયરસનો ગ્રાફ આ રીતે વધ્યો ન હોત. ચીનની જવાબદારી છે કે તે તરત તેને ઠીક કરે. વૈજ્ઞાનિક પણ નથી સમજી શકતા કે આ દેશોએ આટલી ઝડપથી રસીકરણ અભિયાન ચલાવ્યું તેમ છતાં આ દેશોમાં કોરોના વાયરસના કેસ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે.


મંગોલિયાની જનસંખ્યા ઘણી ઓછી છે અને તેણે ચીન પાસેથી લાખો રસીના ડોઝ લઈને પોતાના 52 ટકા લોકોને રસીના બન્ને ડોઝ આપ્યા તેમ છતાં રવિવારે મંગોલિયામાં 2400 નવા કેસ સામે આવ્યા હતા.