નવી દિલ્હીઃ નામીબિયાએ રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ જાણકારી આપી હતી. થોડા સમય અગાઉ પાડોશી દેશ સાઉથ આફ્રિકાએ સ્પૂતનિક વી વેક્સિનને લઇને ચિંતા જાહેર કરી હતી બાદમાં નામીબિયામાં પણ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં માનવામાં આવી રહ્યું છે કે સ્પૂતનિક વી વેક્સીન લેનારા પુરુષોમાં એચઆઇવી થવાની આશંકા અનેક ગણી વધી જાય છે. સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનારા ગેમેલિયા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે નામીબિયાનો નિર્ણય કોઇ સાયન્ટિફિક પુરાવાઓ અને રિસર્ચ પર આધારિત નથી.
સાઉથ આફ્રિકા રેગ્યુલેટરી SAHPRAએ નિર્ણય લીધો છે કે તે પોતાના દેશમાં સ્પૂતનિક વી-ની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી નહી આપે. આ પાછળ રેગ્યુલેટરીએ કહ્યું કે કેટલીક તપાસ બાદ જાણવા મળ્યું છે કે સ્પૂતનિક વીમાં એડેનોવાયરસ ટાઇપ 5 વેક્ટર છે, જેના ઉપયોગથી પુરુષોમાં એચઆઇવી થવાની આશંકા વધી જાય છે.
નામીબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે રશિયાની વેક્સીનના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય આ ચિંતા જાહેર થયા બાદ લેવામાં આવ્યો છે. સ્પૂતનિક વી લેનારા પુરુષોમાં સંભવત એચઆઇવી થવાની આશંકા વધી થાય છે.
નોંધનીય છે કે ભારતમાં પણ સ્પૂતનિક વી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. જોકે હજુ સુધી આ પ્રકારની કોઇ આશંકા વ્યક્ત કરવામાં આવી નથી.