Narendra Modi Pakistan Visit: કાશ્મીર હંમેશાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. દરેક જગ્યાએ બરાબરની ધોબી પછાડ ખાવા છ્તાં અને બેઈજ્જત થવા છતાં પાકિસ્તાનના કાયદ-એ-આઝમ કહેવાતા મોહમ્મદ અલી ઝીણાથી માંડીને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફ સુધીના દરેક પાકિસ્તાની નેતાઓએ કાશ્મીરની ધૂન ગાયે જ રાખે છે. પરંતુ એક પાકિસ્તાની પત્રકારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. પત્રકારે કાશ્મીર વિવાદ હંમેશા માટે ઉકેલી જવાને લઈને દાવો કર્યો છે. 


પાકિસ્તાનના આ પત્રકારે દાવો કર્યો છે કે, વર્ષ 2020માં કાશ્મીર મુદ્દાનો કાયમી હલ આવી શકે તેમ હતો. તેમણે દાવો કર્યો હતો કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ માટે પાકિસ્તાન જવાના હતાં. જો કે, આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.


પાકિસ્તાની પત્રકાર જાવેદ ચૌધરીએ ઝીરો પોઈન્ટ નામની પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો છે કે, કાશ્મીર મુદ્દાનો હંમેશા માટે અંત આવી શકે તેમ હતો. કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાત પણ નિર્ધારીત થઈ ગઈ હતી, પરંતુ ઇમરાન ખાને છેલ્લી ઘડીએ પલટી મારી જતા વાતચીત આગળ વધી શકી નહોતી. જાવેદ ચૌધરીએ એવો પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાની સેનાએ પોતે જ કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે પહેલ કરી હતી અને NSA અજીત ડોભાલને મળ્યા બાદ બધું જ પ્લાનિંગ કર્યું હતું.


ફૈઝ હમીદ પાકિસ્તાની પત્રકાર અજીત ડોભાલને મળ્યા હતા


પાકિસ્તાની પત્રકાર જાવેદ ચૌધરીએ પોતાની યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે, 2020માં પાકિસ્તાની સેનાએ ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને પાકિસ્તાન આવવા માટે મનાવી લીધા હતા. આ આખી વાતને આખરી ઓપ જનરલ ફૈઝ હમીદે જ આપ્યો હતો. તેઓ અરબ દેશમાં ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદી 9 એપ્રિલ 2021ના રોજ પાકિસ્તાન આવશે તેવો તખ્તો ઘડાયો હતો.


PM મોદી હિંગળાજ માતાના મંદિરે જવાના હતા : પાકિસ્તાની પત્રકારનો દાવો


જાવેદ ચૌધરીએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી હિંગળાજ માતાના પૂજારી છે. તેઓ સીધા હિંગળાજ માતાના મંદિર જવાના હતાં અને 10 દિવસ સુધી ઉપવાસ રાખવાના હતાં. પરત ફરતી વખતે ઈમરાન ખાન સાથે મુલાકાત કરવાના હતાં. બંને એકબીજાનો હાથ પકડીને મિત્રતાની જાહેરાત પણ કરવાના હતાં. આ દરમિયાન પીએમ મોદી પાકિસ્તાન સાથે ફરી વેપાર યથાવત કરવાની પણ જાહેરાત કરવાના હતાં.


ઈમરાન ખાને છેલ્લી ઘડીએ પલટી મારી : પત્રકારનો દાવો


પાકિસ્તાની પત્રકારના દાવા મુજબ નરેન્દ્ર મોદી એ પણ જાહેરાત કરવાના હતાં કે તેઓ એકબીજાના મામલે હસ્તક્ષેપ નહીં કરે અને આતંકવાદમાં સામેલ નહીં થાય. કાશ્મીરનો નિર્ણય આપણે 20 વર્ષ બાદ સાથે બેસીને કરીશું. આ તમામ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લી ક્ષણે શાહ મહેમૂદ કુરેશીએ ઈમરાન ખાનને ડરાવી નાખ્યા હતા. તેમણે ઈમરાનને કહ્યું હતું કે, આમ કરવાથી તમારા પર એવી મહોર લાગી જશે કે તમે કાશ્મીરનો સોદો કરી નાખ્યો. ત્યાર બાદ ઈમરાન ખાને પીછેહઠ કરી નાખી અને આ આખો પ્રવાસ જ રદ કરવામાં આવ્યો.


ઈમરાને કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશોને એક કરવાનો પ્રયાસ કર્યો


જ્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી હતી ત્યારે પાકિસ્તાનના તત્કાલિન પીએમ ઈમરાન ખાને લગભગ તમામ વૈશ્વિક મંચ પર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સુધી મુસ્લિમ દેશોના સંગઠનમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જોકે, ઈમરાન ખાનના શબ્દોથી કોઈ જ ફરક પડ્યો નહોતો. તુર્કી સિવાય લગભગ તમામ દેશોએ તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.


પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દાનો રાજકીય ઉપયોગ


કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતનો ભાગમાં આવે છે. તેમ છતાં પાકિસ્તાનમાં કાશ્મીર મુદ્દાનો રાજકીય ઉપયોગ દાયકાઓથી પાકિસ્તાનના લોકોને ભારત વિરુદ્ધ ઝેર આપવા માટે કરવામાં આવે છે. પાકિસ્તાની સેના પણ કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરતી રહે છે.