Pakistan Inflation Increased: પાકિસ્તાનમાં આર્થિક સંકટ ધીમે ધીમે ગાઢ બની રહ્યું છે. દેશમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. જીવનજરૂરી વસ્તુઓના ભાવ આસમાને છે. દેશમાં લોકોની ખરીદશક્તિ ધીમે ધીમે ઘટી રહી છે. ખાદ્યપદાર્થોથી લઈને ઈંધણ સુધી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં સાપ્તાહિક ફુગાવાનો દર ગયા વર્ષની સરખામણીમાં 30 ટકાથી વધુ વધ્યો છે. પાકિસ્તાનમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત ઘટાડા વચ્ચે હવે સામાન્ય લોકો જરૂરી વસ્તુઓ પણ ખરીદી શકતા નથી.


મોંઘવારી દરમાં 30 ટકાનો વધારો


પાકિસ્તાની અખબાર 'ડોન'ના અહેવાલ અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણની કિંમતોમાં વધારા સાથે પાકિસ્તાનમાં સાપ્તાહિક મોંઘવારી દર ગત વર્ષની સરખામણીમાં 30 ટકાથી વધુ વધી ગયો છે. સાપ્તાહિક ફુગાવો સંવેદનશીલ ભાવ સૂચકાંક (SPI) દ્વારા માપવામાં આવે છે. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) એ દેશભરના 17 મોટા શહેરોમાં 50 બજારોમાંથી એકત્રિત કરવામાં આવેલી 51 આવશ્યક ચીજવસ્તુઓની કિંમતની હિલચાલ પરના તેના સાપ્તાહિક અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં ફુગાવામાં વાર્ષિક ધોરણે 30.60 ટકાનો વધારો જોવા મળે છે.


ફુગાવો બે આંકડામાં વધ્યો


પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22 અને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન નાના ફેરફારો સાથે સંવેદનશીલ ભાવ સૂચકાંક 2021થી બે આંકડામાં વધતો જોવા મળે છે. ટૂંકા અંતરાલમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં અસ્થિરતાનું મૂલ્યાંકન કરવા માટે સંવેદનશીલ ભાવ સૂચકાંક (SPI)ની ગણતરી સાપ્તાહિક ધોરણે કરવામાં આવે છે.


ભાવમાં સતત વધારો 


ડોન અનુસાર પાકિસ્તાનમાં ડુંગળીના ભાવમાં 501 ટકા અને ચિકનના ભાવમાં 82.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઘઉંનો લોટ અને ચા પણ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ અનુક્રમે 45 ટકા અને 65.41 ટકા મોંઘી થઈ છે. ડીઝલના ભાવમાં લગભગ 61 ટકાનો વધારો થવાના સમાચાર છે. પેટ્રોલના ભાવમાં 48.21 ટકા, ઈંડાના ભાવમાં 50.51 ટકા, મીઠાના પાવડરના ભાવમાં 49.50 ટકા, દાળના મગના ભાવમાં 47 ટકા અને તૂટેલા બાસમતી ચોખાના ભાવમાં 46 ટકાનો વધારો થયો છે.


પાકિસ્તાન પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે ચોખા અને ગેસની આયાત કરી રહ્યું છે. સાથે જ લોનની મદદથી ગેસ પણ આપવામાં આવી રહ્યો છે. જો કે પાકિસ્તાનને આની ભારે કિંમત ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન સરકાર સસ્તા દરે ગેસ અને તેલ સપ્લાય કરવા માટે રશિયા સાથે વાતચીત કરી રહ્યુ છે, પરંતુ આ અંગે કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. અત્રે નોંધનિય છે કે, પાકિસ્તાનમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે આવેલા પૂરથી ડાંગરના પાકને બહુ જ નુકસાન થયું હતુ, આથી હાલ ત્યાં ખાદ્યાન્નના ભાવ આસમાને પહોંચ્યા છે.