નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી જાપાનના ઓસાકામાં 27-29 જૂનમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેશે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પૂર્વ કેન્દ્રિય મંત્રી આ સમિટમાં ભારતીય દળની આગેવાની કરશે. રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત જી-20 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ દ્ધિપક્ષીય અને બહુપક્ષીય વાર્તામાં ભાગ લેશે જેની જાણકારી બાદમાં આપવામાં આવશે.

જી-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે. જી-20 દેશોની અર્થવ્યવસ્થા દુનિયાના 90 ટકા પ્રોડક્ટ, 80 ટકા વૈશ્વિક બિઝનેસ અને બે  તૃતીયાંશ જનસંખ્યા અને લગભગ દુનિયાના અડધા ક્ષેત્રફળનો હિસ્સો છે.