નવી દિલ્હી: વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને મોટા માર્જિનથી ઐતિહાસિક વિજય હાંસિલ કર્યો હતો. ત્યાર બાદ એ મેચની સરખામણી સર્જિકલ સ્ટ્રાઈક સાથે કરતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું.

ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપના મેચમાં પરાજય આપ્યા બાદ ભારતીય મીડિયાએ આ વિજયની સરખામણી સર્જિકલ સ્ટ્રાઈક સાથે કરી હતી. સમગ્ર ભારતના મીડિયાએ પાકિસ્તાન ઉપર ભારતીય ક્રિકેટ ટીમની સર્જિકલ સ્ટ્રાઈક એવા અહેવાલો આપ્યા હતા.


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, ભારતીય ટીમે પાકિસ્તાન ઉપર વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક કરી છે અને પરિણામ પણ સરખું જ આવ્યું છે.

ભારતીય મીડિયાએ મેચની સરખામણી સર્જિકલ સ્ટ્રાઈક સાથે કરી હતી ત્યાર બાદ પાકિસ્તાન લશ્કરના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, મેચની સરખામણી સર્જિકલ સ્ટ્રાઈક સાથે કરો નહીં. આ લશ્કરી અધિકારીએ ટ્વીટ કરીને અમિત શાહને સંબોધીને કહ્યું હતું કે, ડીઅર અમિત શાહ, તમારી ટીમે વિજય મેળ્યો છે, ખેલાડીઓ સારું રમ્યા.


ગફૂરે સર્જિકલ સ્ટ્રાઈક અને મેચના સંદર્ભમાં લખ્યું હતું કે, એ બંને બાબતો અલગ છે. બંનેની સરખામણી કરવી યોગ્ય નથી. આ મેચ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ચાહકોમાં પાકિસ્તાનની ફજેતી-રમૂજ થતાં પાકિસ્તાન અકળાયું હતું. તેના ભાગરૂપે પાકિસ્તાન લશ્કરી પ્રવક્તાએ મેચ અને સર્જિકલ સ્ટ્રાઈક અલગ અલગ હોવાથી તેની તુલના ન કરવાનું જણાવ્યું હતું.