ચાર મહિના પહેલાં એક રોકેટ ચંદ્ર પર અથડાયું હતું. આ ટક્કર બાદ ચંદ્ર ઉપર બે ખાડા પડી ગયા હતા. નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટરે (LRO) આ ખાડાઓ શોધી કાઢ્યા. પરંતુ રોકેટના ટુકડા વિશે કોઈ પત્તો મળ્યો નથી. વૈજ્ઞાનિકો માટે બીજી સમસ્યા એ છે કે સામાન્ય રીતે રોકેટની ટક્કરથી ખાડો બને છે. પરંતુ આ કેસમાં બે ખાડા છે. કોઈ પણ વસ્તુ એક સાથે એક જ જગ્યાએ બે ખાડાઓ ના બનાવી શકે. હવે આ રહસ્ય વૈજ્ઞાનિકો માટે કોયડો બની ગયું છે.


4 માર્ચ 2022 ના રોજ, એક રોકેટ બૂસ્ટર ચંદ્રની કાળી બાજુએ અથડાયું. LRO દ્વારા 25 મે 2022ના રોજ ફોટા લેવામાં આવ્યા હતા. જ્યારે વૈજ્ઞાનિકોને તસવીરો મળી ત્યારે તેમણે એકસાથે બે ખાડા જોયા. અગાઉ, Apollo S-IVB ના ઘણા રોકેટ બૂસ્ટર ચંદ્ર પર અથડાયા હતા પરંતુ કોઈએ ડબલ ક્રેટર (બે ખાડા) નહોતા બનાવ્યા. એવું નથી કે આવું ના બની શકે પરંતુ તે લગભગ અશક્ય છે. જો કોઈ વસ્તુ ઓછા ખૂણાથી ચંદ્રની સપાટી પર અથડાય છે, તો ત્યાં ડબલ ક્રેટર બનવાની સંભાવના છે. પણ અહીં એવું લાગતું નથી.


અવકાશ વિજ્ઞાની બિલ ગ્રે આ ખાડાઓ શોધનાર પ્રથમ હતા. તેમણે જાન્યુઆરી 2022માં રોકેટ બૂસ્ટર ચંદ્ર પર ટકરાવાની આગાહી કરી હતી. બિલ ગ્રે કહે છે કે રોકેટની દિશા અને સ્થિતિનું ગણિત કહે છે કે તે 15 ડિગ્રીના ખૂણા પર વર્ટિકલી અથડાયું હોવું જોઈએ. તેથી, આમાંથી બે ખાડાઓ બનાવવાની સંભાવના નથી. અહીં બે ખાડા છે. પ્રથમ, જેનો વ્યાસ પૂર્વમાં 18 મીટર છે, તે પશ્ચિમના ખાડા પર ચડેલો દેખાય છે. જ્યારે પશ્ચિમ તરફના ખાડાનો વ્યાસ 16 મીટર છે. ત્યારે હાલ આ બંને ખાડા પડવાનું કારણ અવકાશ વિજ્ઞાનીઓ માટે કોયડા સમાન બની ગયું છે.