Russian Satellite Blast: અંતરિક્ષમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, અંતરિક્ષમાં એક ભયંકર જોરદાર બ્લાસ્ટ થયો છે. અહીં એક રશિયન સેટેલાઇટનો જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો. આ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં 100 થી વધુ ટુકડાઓમાં તૂટી ગયો છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) એ સ્થળની નજીક આવેલું છે જ્યાં આ જોરદાર વિસ્ફોટ થયો હતો અને ત્યાં નાસભાગ મચી ગઈ છે. 


આ બ્લાસ્ટ થતાં જ સુનિતા વિલિયમ્સ સહિત ત્યાં હાજર તમામ અવકાશયાત્રીઓમાં ભાગદોડ મચી ગઇ હતી, અને સેફ હાઉસમાં તમામે આશ્રય લેવો પડ્યો હતો, બ્લાસ્ટ બાદ તેઓ લગભગ એક કલાક ત્યાં રોકાયા હતા. આ સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સ ઉપરાંત બુચ ઇ. વિલ્મોર પણ  છે. જેઓ 6 જૂને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં સ્પેસ સ્ટેશન ગયા હતા. તે 8 દિવસ પછી પરત ફરવાના હતા પરંતુ સ્ટારલાઈનરમાં ખામીને કારણે હજુ પણ ત્યાં જ ફસાયેલા છે.


2022માં જ ડેડ જાહેર થઇ ગયો હતો આ ઉપગ્રહ 
'રિસાર-પી-1' નામના રશિયન ઉપગ્રહને 2022 માં ડેડ જાહેર કરવામાં આવ્યો હતો જે ટૂકડા થઈ ગયો હતો (રશિયન સેટેલાઇટ બ્લાસ્ટ). તેના કાટમાળની ઝડપ એટલી વધારે હતી કે નજીકના કોઈપણ સેટેલાઇટ કે સ્ટેશનને નુકસાન થઈ શકે છે. નાસાએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં હાજર પાંચ અમેરિકન અને એક રશિયન અવકાશયાત્રીને ચેતવણી મોકલી છે. સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. નાસાના જણાવ્યા અનુસાર અન્ય ઉપગ્રહો પર હાલ કોઈ ખતરો નથી. રશિયન સેટેલાઇટ કેવી રીતે વિસ્ફોટ થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. રશિયાની સ્પેસ એજન્સી રૉસકોસ્મોસે આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી.


અમેરિકન સ્પેસ કમાન્ડે કરી પુષ્ટી 
એક અમેરિકન સ્પેસ ટ્રેકિંગ ફર્મે સૌપ્રથમ શોધ્યું કે રશિયન ઉપગ્રહના ટુકડા અવકાશમાં ફેલાયા હતા. બાદમાં યુએસ સ્પેસ કમાન્ડે પુષ્ટિ કરી કે ઉપગ્રહ 100 થી વધુ ટુકડાઓમાં તૂટી ગયો છે. જ્યારે ઉપગ્રહ તૂટી પડ્યો ત્યારે તે લગભગ 355 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં હતો. આ વિસ્તારમાં હજારો નાના ઉપગ્રહો છે. સ્પેસએક્સના સ્ટારલિંક ઉપગ્રહો અને ચીનના સ્પેસ સ્ટેશનનું નેટવર્ક પણ છે.






કાટમાળ હટવામાં લાગશે સમય 
યુએસ સ્પેસ ટ્રેકિંગ ફર્મનું કહેવું છે કે કાટમાળ ઓછી ભ્રમણકક્ષામાં ફેલાયેલો હોવાથી તેને હટાવવામાં અઠવાડિયાથી મહિનાઓ લાગી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશમાં માનવ નિર્મિત ઉપગ્રહો અને સાધનોનો કાટમાળ સતત વધી રહ્યો છે. જો કે હજુ સુધી આ કાટમાળના કારણે કોઈ મોટી દુર્ઘટના નોંધાઈ નથી, પરંતુ વૈજ્ઞાનિકો માટે તે ચિંતાનો વિષય છે.