Nepal Plane Crash News: નેપાળના પોખરા નજીક એક પેસેન્જર વિમાન આજે રવિવારે ક્રેસ થયું હતું જેમાં 68 લોકો મોતને ભેટ્યા હતાં. નેપાળના એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં પાંચ ભારતીયો સહિત 72 મુસાફરો હતા. જેમાંથી અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હવે આ દુર્ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વિમાન ક્રેસ થાય તે પહેલાનો જ છે જેને એક ભારતીય મુસાફરે લાઈવ દરમિયાન લીધો હતો.
આ પ્લેનમાં સવાર ભારતીય યુવક પ્લેન ક્રેશ થયા પહેલા ફેસબુક પર લાઈવ હતો, જેના કારણે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં પ્લેન ક્રેસ થયું તે પહેલાની સ્થિતિ અને ક્રેસ થાય છે તે આખે ઘટના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
નેપાળમાં ક્રેશ થયેલા આ વિમાનમાં ભારતના ગાઝીપુરના પાંચ યુવકો પણ સવાર હતા. તમામ 13મી જાન્યુઆરીએ નેપાળ ફરવા ગયા હતા. આ યુવકોની ઓળખ અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલ કુમાર રાજભર (27), સોનુ જયસ્વાલ (35) અને સંજય જયસ્વાલ (35) તરીકે થઈ છે. અકસ્માત પહેલા આ લોકોએ ફેસબુક લાઈવ પણ કર્યું હતું. સંજય જયસ્વાલ વીડિયો બનાવી રહ્યો હતો.
વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેનની અંદર યુવકો એકબીજાને જોઈને હસી રહ્યાં છે. પછી વિમાનમાં આગ લાગી અને વિસ્ફોટનો અવાજ સંભળાય છે. ત્યાર બાદ વીડિયોમાં ચીસો સંભળાવવા લાગે છે અને જોત જોતામાં આખુ વિમાન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. વિદેશ મંત્રી એસ જયશંકરે વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના વિચારો પીડિત પરિવારો સાથે છે.
એસ જયશંકરે ટ્વીટ કર્યું, "નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અમારા વિચારો અસરગ્રસ્ત પરિવારો સાથે છે. તેવી જ રીતે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ વિમાન દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેને 'ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ' ઘટના ગણાવી હતી.