- પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈરાન સાથેનો સીઝફાયર ગમે ત્યારે તૂટી શકે છે અને ઈઝરાયલે હોર્મુઝની ખાડી પર ટ્રમ્પની નાકાબંધીને ખુલ્લું સમર્થન આપ્યું છે.
- અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથેની વાતચીત બાદ સ્પષ્ટ થયું છે કે અમેરિકા અને ઈઝરાયલનો મુખ્ય ટાર્ગેટ ઈરાનમાંથી સંવર્ધિત પરમાણુ સામગ્રી હટાવી તેને પરમાણુ શક્તિ બનતા રોકવાનો છે.
- ઈરાને અમેરિકા સાથે બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે, પરંતુ શરત મૂકી છે કે અમેરિકાએ પોતાની 'ગેરકાયદેસર' માંગણીઓ પડતી મૂકીને તેહરાનની શરતો માનવી પડશે.
Netanyahu Iran ceasefire: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મોટા યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ (સીઝફાયર) હવે ગમે ત્યારે પૂરો થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડી પર નૌકા નાકાબંધી લગાવવાના નિર્ણયને ઈઝરાયલે ખુલ્લું સમર્થન આપ્યું છે. બીજી બાજુ, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ ગયા બાદ, ઈરાને પણ પોતાની શરતો સાથે 2જા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે. આ તમામ હિલચાલ દર્શાવે છે કે આગામી દિવસોમાં સ્થિતિ વધુ તંગ બની શકે છે.
નેતન્યાહૂની આકરી ચેતવણી અને નાઝી કેમ્પોનો હવાલો
નેતન્યાહૂએ કહ્યું કે ઈઝરાયલ અત્યારે પોતાની તાકાતના શિખર પર છે. તેમણે ઈરાનના પરમાણુ મથકો (નાતાન્ઝ, ફોર્ડો અને બુશેહર) નો ઉલ્લેખ કરતા કહ્યું કે જો અમે લશ્કરી કાર્યવાહી ન કરી હોત, તો આ સ્થળોને પણ ઓશવિટ્ઝ અને સોબીબોર (બીજા વિશ્વયુદ્ધ વખતના કુખ્યાત નાઝી અત્યાચાર કેમ્પો) ની જેમ જ યાદ રાખવામાં આવત. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેથી ટ્રમ્પની નાકાબંધીનો નિર્ણય એકદમ સાચો છે.
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે વાતચીત
ઈઝરાયલના પીએમે વધુમાં જણાવ્યું કે તેમની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ સાથે ફોન પર વિગતવાર વાત થઈ છે. વાન્સે તેમને ખાતરી આપી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાનો મુખ્ય ટાર્ગેટ ઈરાનમાંથી તમામ સંવર્ધિત (Enriched) પરમાણુ સામગ્રીને હટાવવાનો છે, અને એ સુનિશ્ચિત કરવાનું છે કે આવનારા દાયકાઓ સુધી ઈરાન પરમાણુ સંવર્ધન ન કરી શકે.
વાતચીત માટે ઈરાન પણ તૈયાર, પણ મૂકી શરતો
આ બધા ટેન્શન વચ્ચે ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન અમેરિકા સાથે શાંતિ વાટાઘાટોના 2જા રાઉન્ડ માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે અમેરિકા કોઈ ગેરકાયદેસર માંગણીઓ ન કરે અને તેહરાનની શરતો માને. ફતાલીએ પશ્ચિમ એશિયાની સ્થિતિ વિશે વાત કરતા એમ પણ કહ્યું કે, આ ક્ષેત્રમાં ભારત અને ઈરાનનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે.
