નવી દિલ્હીઃ કોરોના વાયરસની હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી. વિશ્વના અનેક દેશો કોરોનાની રસી શોધી રહ્યા છે પરંતુ સફળતા મળી નથી. આ દરમિયાન ચીનની લેબોરેટરીએ એક એવી દવા વિકસાવી છે, જેનાથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી શકાતો હોવાનો દાવો કરાયો છે.


ચીનની પ્રતિષ્ઠિત પેનકિંગ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકોએ દવાનું પરીક્ષણ કર્યુ છે. તેનાથી સંક્રમિત વ્યક્તિના રિકવરી ટાઈમમાં ન માત્ર ઘટાડો થયો છે પરંતુ વાયરસ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો હોવાનું સંશોધકોએ કહ્યું છે.

બેઇજિંગ એડવાન્સ ઈનોવેશન સેન્ટર ફોર જેનોમિસના ડિરેકટર સની ઝીએ એએફપીને કહ્યું કે, પ્રાણીઓ પર રસીનું પરીક્ષણ સફળ રહ્યું છે. જ્યારે અમે ચેપવાળા ઉંદરમાં ન્યૂટ્રલાઇઝિંગ એન્ટિબોડીઝનું ઈન્જેકશન આપ્યું તેના પાંચ દિવસ પછી વાયરલ લોડ 2500 સુધી ઘટી ગયો હતો. જેનો અર્થ થયો કે આ રસી અસરકારક છે. ડ્રગ બેઅસર એન્ટીબોડીનો ઉપયોગ કરે છે, જે ચેપગ્રસ્ત કોષોને રોકવા માટે માનવ રોગપ્રતિકારક શક્તિ દ્વારા ઉત્પાદિત થાય છે. શીની ટીમે 60 સ્વસ્થ થયેલા દર્દીઓને અલગથી લોહી પૂરું પાડ્યું હતું.

રવિવારના સાયન્ટિફિક જર્નલ સેલમાં પ્રકાશિત થયેલા ટીમના રિસર્ચ પ્રમાણે, એન્ટીબોડીઝનો ઉપયોગ રોગ સામે સંભવિત ઉપચાર પૂરો પાડે છે અને રિકવરીના સમયને ઘટાડે છે.

ઝીના કહેવા પ્રમાણે તેની ટીમ આ દિશામાં દિવસ રાત કામ કરી રહી છે. અમારી વિશેષતા ઇમ્યુનોલોજી અથવા વાઇરોલોજીના બદલે સિંગલ સેલ જિનોમિક્સ છે.  સિંગલ સેલ જિનોમિકથી અસરકારક પરિણામ મળે છે તે જાણી અમે રોમાંચિત થયા હતા.