પેરિસઃ કોરોના વાયરસના ઓમિક્રોન વેરીયન્ટનો ખતરો ગયો નથી ત્યાં હવે કોરોનાના નવા સ્ટ્રેન આઈએચયુ (IHU)નો ખતરો દુનિયા પર તોળાઈ રહ્યો છે. કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આઈએચયુ (IHU) નામના એક નવા સ્ટ્રેનની શોધથી દુનિયાની ચિંતામાં વધારો થયો છે.
ફ્રાંસમાં મળેલા આ નવા IHU વેરિએન્ટમાં 46 મ્યુટેશન મળ્યા છે તેથી મેડિકલ નિષ્ણાતો પણ ચોંકી ઉઠ્યા છે. ઓમિક્રોનના કારણે દુનિયામાં કોરોના અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ નવા સ્ટ્રેઈનને કારણે કોરોનાની એક નવી લહેર ફેલાવાની આશંકા છે.
આ કોરોના વેરિએન્ટ B.1.640નો સબ-લીનેજ છે. ફ્રાંસમાં નવેમ્બર 2021માં આ વેરિએન્ટના કેસ મળી આવ્યા પછી ફ્રેન્ચ રિસર્ચર્સે IHU વેરિએન્ટને સબ-લીનેજ B.1.640 તરીકે ક્લાસીફાય કર્યો છે. સદનસીબે IHU વેરિએન્ટના કેસ અત્યાર સુધીમાં માત્ર ફ્રાંસમાં જ જોવા મળ્યા છે.
પ્રથમ કેસ નવેમ્બર 2021માં દક્ષિણ પશ્ચિમી ફ્રાંસમાં નોંધાયા પછી અત્યાર સુધી તેના 12 કેસ નોંધાયા છે. દુનિયાના અન્ય કોઈ દેશે IHUના કેસ મળ્યા હોવાને સમર્થન આપ્યું નથી એ જોતાં આ વેરીયન્ટનો વિશ્વમાં પ્રસાર થતો રોકી શકાય તેમ છે. આ વેરિએન્ટનો છેલ્લે કેસ 25 ડિસેમ્બર 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો. એ પછી આ વેરિએન્ટના અન્ય કેસ નોંધાયા નથી તેથી પણ રાહત છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ IHUને ‘વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ કે ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કર્યો નથી તેના કારણે પણ મેડિકલ નિષ્ણાતો થોડી રાહત અનુભવે છે. અલબત્ત નિષ્ણાતો ચેતવણી આપી જ રહ્યા છે કે, આ વેરીયન્ટ પણ ગમે ત્યારે ખતરનાક બની શકે છે. નવેમ્બર 2021માં WHOએ વેરિએન્ટ B.1.640ને ‘વેરિએન્ટ અંડર મોનિટરિંગ’ એટલે કે નજર રાખવા જેવો વાયરસ જાહેર કર્યો હતો તેથી તેનો ખતરો તોળાઈ જ રહ્યો છે. WHOએ કહ્યું છે કે તે IHU પર નજર રાખવામાં આવી રહી છે.