New malaria vaccine: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ બીજી મેલેરિયા રસી R21/Matrix-Mને મંજૂરી આપી છે. આ રસી અગાઉની રસી કરતાં સસ્તી અને વધુ અસરકારક હોવાથી ઘણા દેશોમાં મેલેરિયા સામે લડવામાં મદદ કરી શકે છે. WHOના મહાનિર્દેશક Tedros Adhanom Ghebreyesus એ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ બે નિષ્ણાત જૂથોની સલાહ પર આ રસીને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે મેલેરિયાના રિસર્ચરના રૂપમાં હું એ દિવસનું સપનું જોતો હતો જ્યારે આપણી પાસે મેલેરિયા સામે સુરક્ષિત અને અસરકારક રસી હશે. હવે આપણી પાસે બે રસી છે. નિષ્ણાતોએ મેલેરિયાના જોખમવાળા બાળકોમાં આ રસીનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.






ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની મદદથી એક નવી રસી વિકસાવી છે, જેના ત્રણ ડોઝ છે. આ સંશોધન દર્શાવે છે કે રસી 75 ટકાથી વધુ અસરકારક છે અને, બૂસ્ટર ડોઝ સાથે ઓછામાં ઓછા બીજા વર્ષ સુધી રક્ષણ આપી શકે છે. SIIએ કહ્યું કે આ મંજૂરી રસીના 'પ્રી-ક્લિનિકલ' અને 'ક્લિનિકલ' ટેસ્ટ સંબંધિત ડેટાના આધારે આપવામાં આવી છે. ચાર દેશોમાં પરીક્ષણ દરમિયાન આ રસી ઘણી અસરકારક સાબિત થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસીના એક ડોઝની કિંમત લગભગ 2 થી 4 ડોલર (160 થી 320 રૂપિયા) હશે અને તે આવતા વર્ષે કેટલાક દેશોમાં ઉપલબ્ધ થઈ શકે છે.


80 ટકા સુધી આપશે રક્ષણ


નોંધનીય છે કે  R21/Matrix-M રસીને RTS,S/AS01 પણ કહેવામાં આવે છે, જે મેલેરિયા સામે 70 થી 80 ટકા રક્ષણ પૂરું પાડે છે. આ રસી ખાસ કરીને બાળકોને મેલેરિયાના ગંભીર વેરિઅન્ટથી બચાવવામાં અસરકારક છે. WHOએ કહ્યું કે R21/Matrix-M રસી એવા દેશોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ થશે જ્યાં મેલેરિયા એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે.


ઘાના અને બુર્કિના અગાઉથી આપી છે મંજૂરી


ઘાના અને બુર્કિના ફાસોએ આ વર્ષની શરૂઆતમાં મેલેરિયાની નવી રસી મંજૂર કરી હતી. ડોકટર્સ વિધાઉટ બોર્ડર્સમાં કામ કરતા જ્હોન જ્હોન્સને કહ્યું કે આ રસી એક મહત્વપૂર્ણ સાધન છે, પરંતુ તે મેલેરિયાને સંપૂર્ણપણે અટકાવવામાં સક્ષમ નથી. અન્ય પગલાં જેમ કે મચ્છરદાની અને મચ્છર છંટકાવની હજુ પણ જરૂર પડશે. WHOએ 2021માં પ્રથમ મેલેરિયાની રસીને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી.