અમેરિકાને નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે એક વ્યક્તિએ ન્યૂ ઓરર્લિયન્સમાં બોર્બન સ્ટ્રીટ પર ભીડમાં પોતાની ટ્રક ચલાવી અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા અને 35 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 3.15 વાગ્યાની આસપાસ બની હતી. આ હુમલા અંગે ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ કહ્યું કે તે અમેરિકાના ન્યૂ ઓર્લિરયન્સમાં થયેલી ઘટનાની તપાસ કરી રહી છે. આ એક આતંકવાદી હુમલો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ ભયાનક ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે તેમને યુએસ ફેડરલ કાયદા અમલીકરણ અને હોમલેન્ડ સિક્યોરિટી ટીમ દ્વારા સવારથી સતત માહિતી આપવામાં આવી હતી, જેમાં હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી અલી મયોરકાસ, ડેપ્યુટી એટોર્ની જનરલ લિસા મોનાકો, વ્હાઇટ હાઉસ હોમલેન્ડ સિક્યોરિટી એડવાઈઝર લિઝ શેરવુડ-રેન્ડલ અને ન્યૂ ઓરર્લિયન્સના મેયરનો સમાવેશ થાય છે. બાઇડને પુષ્ટી કરી હતી કે એફબીઆઈ તપાસનું નેતૃત્વ કરી રહી છે અને આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણી રહી છે.
ગાડીમાંથી ISISનો ધ્વજ અને IED સહિત હથિયારો મળી આવ્યા છે
નોંધનીય છે કે ઘટના બાદ ન્યૂ ઓરર્લિયન્સ પોલીસ ડિપાર્ટમેન્ટ (NOPD) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને શંકાસ્પદને ઠાર માર્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિની ઓળખ 43 વર્ષીય શમ્સુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. એફબીઆઈ અને પોલીસને હુમલાખોરના વ્હીકલ્સમાંથી આઈએસઆઈએસનો ઝંડો અને આઈઈડી સહિત હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે. અમેરિકન તપાસ એજન્સીઓ જબ્બારના તમામ સંપર્કની તપાસ કરી રહી છે.
એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, 'ન્યૂ ઓરર્લિયન્સની આતંકવાદી ઘટનામાં આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ શમ્સુદ્દીન જબ્બાર હતું. 42 વર્ષીય હુમલાખોર અમેરિકન નાગરિક હતો. તેનો જન્મ ટેક્સાસ રાજ્યમાં થયો હતો. તે ફોર્ડ પીકઅપ ટ્રક ચલાવતો હતો જે ભાડે લેવામાં આવી હતી. તેને આ ટ્રક ક્યાંથી મળી તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટ્રકની પાછળ ISISનો ઝંડો લગાવાયો હતો. જેના કારણે તેના આતંકવાદી સંગઠનો સાથે કનેક્શન હોવાની આશંકા છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.'
FBI પુરાવા એકત્ર કરવામાં લોકો પાસેથી મદદ માંગે છે
એફબીઆઈ એજન્ટ એલેથિયા ડંકનના જણાવ્યા અનુસાર, "અમે માનતા નથી કે બોર્બન સ્ટ્રીટ હુમલા માટે શમ્સુદ્દીન જબ્બાર એકલો જવાબદાર હતો." અમે તેના સહયોગીઓ સહિત દરેક પુરાવા શોધી રહ્યા છીએ. તેથી અમને જનતાની મદદની જરૂર છે. અમે પૂછીએ છીએ કે છેલ્લા 72 કલાકમાં જો કોઈને જબ્બાર સાથે કોઈ વાતચીત થઈ હોય તો અમારો સંપર્ક કરો. જેની પાસે કોઈપણ માહિતી, વિડિયો અથવા ફોટા હોય તેણે એફબીઆઈને આપવા જોઇએ.