કોરોનાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કોરોના વેક્સિનના દાવા વચ્ચે કોરોનાનો નવો સ્ટ્રેન વધુને વધુ પોતાનો પંજો પ્રસરાવી રહ્યો છે. બ્રિટન બાદ ફ્રાંસ અને જાપાનમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાયો છે. WHOએ કહ્યું કે કોરોનાના નવો સ્ટ્રેન બ્રિટેન અને ફ્રાંસ સહિત યુરોપના 8 દેશોમાં જોવા મળ્યો છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના યુરોપના પ્રાદેશિક નિયામકે દાવો કર્યો કે કોરોનાનો નવો સ્ટ્રેન યુવા વર્ગમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોનાના કેસો 50 વર્ષથી વધુ વયના લોકોમાં સૌથી વધુ જોવા મળતા હતા. પરંતુ નવો સ્ટ્રેન વિપરીત રીતે સૌથી વધુ યુવાઓમાં જોવા મળી રહ્યો છે. જાપાનમાં કોરોનાના નવા સ્ટ્રેનની એંટ્રી થતા જાપાને બ્રિટનથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. હાલ કોરોનાના નવા સ્ટ્રેન પર WHOના તજજ્ઞો સતત નજર રાખી રહ્યા છે.

બ્રિટનમાંથી જ કોરોના વાયરસનો જે નવો સ્ટ્રેન સામે આવ્યો છે તે અગાઉ મળેલા પ્રકાર કરતાં પણ વધારે ખતરનાક છે. વાયરસના આ નવા પ્રકારને વધારે ઝડપથી સંક્રમણ ફેલાવનારો ગણવામાં આવે છે.

બ્રિટન સહિતના દેશોમાં કોરોનાના નવા સ્વરૂપની ઓળખ થયા પછી વિશ્વભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન સંશોધકોએ જેનેટિક કોડમાં 23 નવા ફેરફાર શોધ્યા છે. ૨૩માંથી ૬ જેનેટિક કોડના ફેરફારો સાધારણ કક્ષાના છે, પરંતુ તે સિવાયના ૧૭ ફેરફાર એવા છે જેના ગંભીર પરિણામો આવી શકે છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપી હતી.