ન્યુયોર્કના Buffalo સ્થિત એક સુપરમાર્કેટમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગમા 10 લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ટોપ ફ્રેન્ડલી સુપરમાર્કેટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગવર્નર કૈથી હોચુલે ટ્વીટ કરી  જણાવ્યું હતું કે તે તેના વતન Buffalo માં બનેલી ઘટના અંગે અધિકારીઓના સંપર્કમાં છે.






પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર પહેલા હુમલાખોરે ઘટનાને ઓનલાઈન બતાવવા માટે કેમેરાનો ઉપયોગ કર્યો હતો. હાલમાં પોલીસે આ 18 વર્ષીય હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. જો કે તેનું નામ હજુ સુધી આપવામાં આવ્યું નથી.


Buffalo પોલીસ કમિશનર જોસેફ ગ્રૈમાગ્લિયાએ જણાવ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેણે હેલ્મેટ પહેર્યું હતું. આ ઘટનામાં 10ના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતોમાં મોટાભાગના અશ્વેત હતા. પોલીસ કમિશનર જોસેફ જણાવ્યું હતું કે હુમલાખોરે પહેલા સુપરમાર્કેટ પાર્કિંગમાં ચાર લોકોને ગોળી મારી હતી, જેમાંથી ત્રણનું મોત થયું હતું. બાદમાં  તે અંદર ગયો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.


સ્ટોરની અંદર માર્યા ગયેલા લોકોમાં સશસ્ત્ર સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા એક નિવૃત્ત પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે શૂટરે તેની ગરદન પર બંદૂક મૂકી હતી, પરંતુ તેની સાથે વાત કરવામાં આવી હતી અને અંતે તેણે આત્મસમર્પણ કર્યું હતું.


એફબીઆઈની Buffalo ફિલ્ડ ઓફિસના ઈન્ચાર્જ સ્પેશિયલ એજન્ટ સ્ટીફન બેલોંગિયાએ જણાવ્યું હતું કે ફાયરિંગની તપાસ હેટ ક્રાઇમના રૂપમાં કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમના કેસ તરીકે કરી રહ્યા છીએ.