US floods: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં 'ઇડા' વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદથી ભારે વિનાશ થયો છે. ન્યૂયોર્ક શહેરમાં વરસાદ અને પૂરમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક નજીક નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટનું બિલ્ડિંગ પાણીથી ભરાઈ ગયું છે. કુદરતના કહેરની વચ્ચે અમેરિકાના વિકસિત દેશની તમામ તૈયારીઓ પાણીમાં ધોવાઈ ગઈ છે. ન્યૂયોર્ક શહેર અને બાકીના પ્રાંતમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.


એવું કહેવામાં આવી રહ્યું છે કે આવું તોફાન અનેક સદીઓમાં એકવાર આવે છે અને આ વાવાઝોડાએ અમેરિકાની સમગ્ર વ્યવસ્થાને લગભગ નાશ કરી દીધી છે. ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી જેવા મોટા શહેરો તેનાથી ખરાબ રીતે પ્રભાવિત છે. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ સ્થિતિ છે. નેવાર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. તેમજ તમામ ટ્રેન સેવાઓ બંધ છે. ત્યાં પરિસ્થિતિ બેકાબૂ બની છે.


ભોંયરામાં ફસાયા બાદ આઠ લોકોના મોત થયા હતા


ન્યુ યોર્ક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પૂરની વચ્ચે ભોંયરામાં ફસાઈને કુલ આઠ લોકોના મોત થયા છે. ન્યૂયોર્કની એફડીઆર ડ્રાઈવ અને બ્રોન્ક્સ નદી પાર્કવે બુધવારે મોડી રાત પાણીથી ભરાઈ ગયા હતા. સબવે સ્ટેશનો અને ટ્રેક એટલા છલકાઈ ગયા હતા કે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સ્થગિત કરી દીધી હતી. ઓનલાઈન પોસ્ટ કરેલા વીડિયોમાં મેટ્રો રાઈડર્સ પાણીથી ભરેલા કોચમાં સીટ પર ઉભા જોવા મળી રહ્યા છે.




ન્યૂયોર્કના મેયર બિલ ડી બ્લેસિઓએ બુધવારે મોડી રાત્રે ન્યૂયોર્ક શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરતા કહ્યું હતું કે, "અમે આજે રાત્રે સમગ્ર શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ, ગંભીર પૂર અને ખતરનાક રસ્તાની સ્થિતિ સાથે ઐતિહાસિક હવામાન ઘટનાનો સામનો કરી રહ્યા છીએ."