ઓકલેંડઃ ભારતમાં કોરોના વાયરસની (Coroanvirus) વધી રહેલા મામલાએ હવે સમગ્ર વિશ્વનું ટેન્શન વધારી દીધું છે. દેશમાં કોરોનાના વધતાં મામલાને લઈ ન્યૂઝીલેંડે ભારતીયોના આવવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ લગાવી લીધો છે. આ પ્રતિબંધ 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી લાગુ રહેશે. ન્યૂઝીલેંડના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડને (PM Jacinda Ardern) આ જાહેરાત કરી હતી.


ન્યૂઝીલેંડના પ્રધાનમંત્રીએ તેમના દેશના નાગરિકોને પણ ભારતથી (India) આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીએમ જેસિંડાએ જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસના વધતા કેસને લઈ તમામ પ્રકારના મુસાફરોને ભારતથી આવવા પર બેન લગાવી દીધો છે. ભારતમાં કોરોના વાયરસના મામલા વધતાં હવે વેક્સીનનું વિશ્વભરમાં પુરવઠાનું સંકટ ઉભુ થયું છે.


દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) ખરેખર ખતરનાક સાબિત થઈ રહી છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Heath ministry) તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે આ વાત સાચી સાબિત કરે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના 1,15,736 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં નોંધાયેલા આ સર્વાધિક કેસ છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસને પગલે 24 કલાકમાં 630 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ મોતનું પ્રમાણ 1.3% છે.




દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં કોરોના વાયરસના કુલ 8,43,473 એક્ટિવ કેસ છે. દેશમાં સાજા થવાનો દર 92.1 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 59,856 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,28,01,785 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 1,17,92,135 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી 8.7 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.


કોરોનાના કેરને પગલે છત્તીસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિત અનેક રાજ્યોએ કોરોના પર કાબૂ મેળવવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન (Lockdown) જેવા આકરા પ્રતિબંધો મૂક્યા છે. દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે વડાપ્રધાન મોદી ગુરુવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે.