નવી દિલ્હીઃ બ્રિટનની કોર્ટે ભાગેડુ હિરા વ્યાપારી નીરવ મોદીની કસ્ટડી 17 ઓક્ટોબર સુધી વધારી દીધી છે. આ અગાઉ તેની કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી હતી. નીરવ મોદી હાલમાં  બ્રિટનની જેલમાં બંધ છે. તેના  ભારત પ્રત્યાર્પણને લઇને સુનાવણી આગામી વર્ષે મે મહિનામાં યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પંજાબ નેશનલ બેન્ક સાથે બે અબજ ડોલરની છેતરપિંડી અને મની લોન્ડ્રરિંગ મામલામાં નીરવ મોદીએ ગુરુવારે એક વીડિયો લિંક મારફતે બ્રિટનની કોર્ટમાં રજૂ થયો હતો. લંડનની જેલમાં  બંધ નીરવ મોદીને કસ્ટડીમાં નિયમિત સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરાયો હતો. વેસ્ટ મિસ્ટરની મેજીસ્ટ્રેટ કોર્ટના જસ્ટીસ ટૈન ઇકરમે વીડિયો લિંક મારફતે આ મામલાની સુનાવણી કરી હતી. આગામી સુનાવણી દરમિયાન તેને પ્રત્યાર્પણની સુનાવણી અંગેની તારીખોની જાણકારી આપવામાં આવશે. ઇકરમે  કોર્ટના લિપિકને પાંચ દિવસની પ્રત્યાર્પણ સુનાવણી 11 મે 2020થી શરૂ કરવાના પ્રસ્તાવની પુષ્ટી કરવા કહ્યુ હતું.

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં નીરવ મોદીની ભારત પ્રત્યાર્પણની માંગણી કરી રહ્યું છે. તેની માર્ચમાં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. બ્રિટનના કાયદા આધાર પર તેને ચાર સપ્તાહ બાદ કસ્ટડીનો સમયગાળો વધારવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આ અગાઉ કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી ચૂકી છે.