તાજેતરમાં ભારતમાં બનેલી કફ સિરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા છે. હવે ગામ્બિયા સરકારે આ મામલે યુ-ટર્ન લીધો છે. ભારતીય કફ સીરપને કારણે કિડનીને નુકસાન થવાથી લગભગ 66 બાળકોના મોત થયા હોવાની હજુ સુધી પુષ્ટી થઈ નથી. દેશની મેડિસિન કંટ્રોલ એજન્સીના પ્રતિનિધિએ રોઇટર્સને આ માહિતી આપી હતી.






ગયા મહિને જાહેર કરાયેલા એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ગામ્બિયામાં હેલ્થ ડાયરેક્ટર  મુસ્તફા બિટ્ટાયે તમામ બાળકોના મૃત્યુના કારણની પુષ્ટી કરી હતી અને કહ્યું હતું કે આ તમામ બાળકોના મોત કિડનીની ગંભીર સમસ્યાને કારણે થયા છે.


સૂત્રોનું કહેવું છે કે ભારતે તેના દેશમાં આવા સીરપને મંજૂરી આપવા માટે ધ ગામ્બિયાના સ્ક્રીનિંગ અને ઓડિટના ધોરણો પર સવાલ ઉઠાવ્યા છે. ભારત સરકારના સૂત્રોએ કહ્યું છે કે મૃત્યુ પામેલા 66 બાળકોના પીએમ રિપોર્ટ દર્શાવે છે કે તેમને ઝાડા હતા તો પછી તેમને કફ સીરપ કેમ આપવામાં આવી રહી હતી?


WHOના વડાએ કહ્યું હતું કે કફ સિરપથી મૃત્યુ થયું છે


WHOના વડા ડૉ. ટેડ્રોસે જાહેરાત કરી હતી કે ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલ કફ સીરપને કારણે ગામ્બિયામાં 66 બાળકોના મોત થયા છે. ડબ્લ્યુએચઓએ ગયા મહિને સોનીપતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ પ્રોમેથાઝિન ઓરલ સોલ્યુશન, કોફેક્સમાલિન બેબી કફ સીરપ, મેકોફ બેબી કફ સીરપ અને મેગ્રીપ એન કોલ્ડ સીરપના ચાર ઉત્પાદનોને "ખૂબ જ ખરાબ" તબીબી ઉત્પાદનો તરીકે જાહેર કરીને તબીબી ચેતવણી જાહેર કરી હતી.


WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસે જાહેર કર્યું હતું કે 'ડબ્લ્યુએચઓએ ધ ગામ્બિયામાં મળી આવેલી આ ચાર દૂષિત દવાઓ અંગે મેડિકલ પ્રોડક્ટ એલર્ટ જાહેર કર્યું છે, જે કિડનીની ગંભીર સમસ્યાઓ અને અહીં 66 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલ છે.'


ચેતવણી જાહેર કરતી વખતે, ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે આમાંથી ફક્ત ચાર ઉત્પાદનો ગામ્બિયામાં મળી આવ્યા છે, પરંતુ આ તમામ ઉત્પાદનો અન્ય દેશો અને પ્રદેશોમાં પણ અનૌપચારિક રીતે વેચાણ કરવામાં આવ્યા હોઇ શકે છે. આવી સ્થિતિમાં, WHOએ તમામ દેશોને સૂચન કર્યું હતું કે આ ચાર ઉત્પાદનોનું વેચાણ અટકાવવું જોઈએ જેથી કરીને લોકોનો જીવ બચાવી શકાય.