North Korea Fires Ballistic Missile: ઉત્તર કોરિયાએ સમુદ્ર તરફ ત્રણ અજ્ઞાત સંદિગ્ધ બેલિસ્ટિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યુ હોવાનો દક્ષિણ કોરિયા અને જાપાને દાવો કર્યો છે. જાપાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા ફાયર કરવામાં આવેલી મિસાઈલ એક સંભાવિત બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્ર હોઈ શકે છે. તેમની તરફથી આ અંગે કોઈ માહિતી નથી આપવામાં આવી. 


આ સાથે દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે, "ઉત્તર કોરિયાની મિસાઈલ ગુરુવારે ઉત્તર કોરિયાના પૂર્વી સમુદ્ર તરફ ફેંકવામાં આવી હતી." જો કે તેમણે પણ આ વિશે વધુ માહિતી નહોતી આપી.


ઉત્તર કોરિયાએ પોતાની અટકી પડેલી પરમાણુ કૂટનીતિ વચ્ચે પોતાના હરિફ દેશો પર દબાવ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે અને આ વર્ષે ઘણી મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, વધતા કોરોના સંક્રમણ માટે લાગુ થયેલા કડક નિયમો વચ્ચે ઉત્તર કોરિયા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને હથિયારો અને મિસાઈલોનું પરીક્ષણ ચાલુ રાખ્યું છે.


પહેલો કોરોના કેસ નોંધાયોઃ
આ બધાની વચ્ચે ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયાએ ગુરુવારે તેમના દેશમાં કોરોનાના પહેલા કેસની પુષ્ટિ કરી હતી. ઉ. કોરિયાના નેતા કિમ જોંગ-ઉને શહેર અને કાઉંટીમાં સંપુર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. કોરોના મહામારી ફેલાયાના 2 વર્ષ પછી ઉત્તર કોરિયામાં કોવિડ19ના પહેલો કેસ નોંધાયો હોવાની પુષ્ટિ થઈ છે.


વર્ષનું 16મું પરીક્ષણઃ
ગુરુવારે કરવામાં આવેલું બેલેસ્ટિક મિસાઈલનું આ પ્રક્ષેપણ ઉત્તર કોરિયા દ્વારા થયેલ 16મું પરીક્ષણ હતું. આમાં 2017 પછી ઉત્તર કોરિયા દ્વારા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પ્રથમ પરીક્ષણ સામેલ છે. એવા સંકેતો પણ મળી રહ્યા છે કે ઉત્તર કોરિયા દેશના ઉત્તરપૂર્વમાં એક દૂરસ્થ પરીક્ષણ મેદાન પર પાંચ વર્ષમાં તેનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે.