ન્યૂયોર્કઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત સર્જરી બાદ નાજુક હોવાનો અમેરિકન અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કિમ 15 એપ્રિલે તેના દાદાના બર્થ ડેમાં સામેલ થયો નહોતો, જે બાદ અટકળોને વેગ મળ્યો છે. આ ઉપરાંત ચાર દિવસ પહેલા એક સરકારી બેઠકમાં પણ તે હાજર ન રહેલા તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સીએનએનના રિપોર્ટ પ્રમાણે, અમેરિકન અધિકારીનું કહેવું છે કે કિમના સ્વાસ્થ્યને લઈ ચિંતા વિશ્વસનીય છે પરંતુ ગંભીરતાનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે. કિમ જોંગ ઉનનું બ્રેઈન ડેડ થઈ ગયું હોવાની પણ અટકળો થઈ રહી છે. ઉત્તર કોરિયાના સમાચાર પ્રસારિત કરતી દક્ષિણ કોરિયાની એક વેબસાઈટના જણાવ્યા પ્રમાણે 12 એપ્રિલે કિમ હૃદય તથા રક્તવાહિનીઓ સંબંધી પ્રક્રિયામાંથી પસાર થયા હતા.

ન્યૂઝ સાઇટ પ્રમણે, તેઓ વધારે પ્રમાણમાં સ્મોકિંગ, મેદસ્વીતાનો સામનો અને વધારે કામ કરતા હોવાના કારણે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. હૃયાનસાંગ કાઉન્ટીમાં તેમની સારવાર ચાલી રહી છે. કિમના સ્વાસ્થ્યમાં સુધારો થયા બાદ મેડિકલ ટીમનો એક હિસ્સો 19 એપ્રિલે પ્યોંગયાંગથી પરત ફર્યો હતો અને કેટલાક તેમની રિકવરી માટે રોકાયેલા છે.

ઉત્તર કોરિયા તેમના નેતા સાથે સંકળાયેલા તમામ સમાચારને નિયંત્રિત કરે છે અને ત્યાં તેમને દેવતા સમાન માનવામાં આવી છે. મંગળવારે દક્ષિણ કોરિયાએ કહ્યું કે, તેઓ અમેરિકન મીડિયા રિપોર્ટમાં કિમ જોંગ ઉનની હાલત નાજુક હોવાના રિપોર્ટ ચકાસી રહ્યા છે. ઉત્તર કોરિયામાં પ્રેસ પાસે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી. તેથી ત્યાં સરકાર જે બતાવવા ઈચ્છે તે જ છાપવાનું કે દર્શાવવાનું હોય છે. કિમ છેલ્લે 11 એપ્રિલે મીડિયા સામે આવ્યા હતા. જે બાદ તેમની ગેરહાજરી સ્વાસ્થ્યને લઈ થઈ રહેલી અટકળોને વેગ આપે છે.

15 એપ્રિલ ઉત્તર કોરિયા માટે મહત્વપૂર્ણ તહેવાર હતો. આ દિવસ દેશના સંસ્થાપક કિમ 2 સુંગનો જન્મદિવસ હોય છે. આ દિવસે પણ કિમ તરફથી કોઈપણ વાતનો સત્તાવાર ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.