World Cup 2023: ભારતમાં રમાનારા આઇસીસી વનડે વર્લ્ડકપને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યું છે. ભારતમાં રમાનારા ICC વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સહિત કુલ 10 ટીમો રમવાની છે. પરંતુ પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં રોળા નાંખી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે  વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં 11 મંત્રીઓની તપાસ ટીમ બનાવી છે. આ ટીમ પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભારત આવવાના અને તેના નિશ્ચિત સ્થળ પર રમવા અંગે અંતિમ નિર્ણય લેશે. તપાસ ટીમ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લઈ શકે છે અને તેનો રિપોર્ટ પીએમને સોંપશે.  પાકિસ્તાને ભારતમાં અમદાવાદ સહિત 5 સ્થળોએ મેચ રમવાની છે. ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.


આ દરમિયાન તપાસ ટીમમાં સામેલ રમત મંત્રી એહસાન મજારીએ સ્પષ્ટ કહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો અમારી ટીમ પણ વર્લ્ડકપ રમવા ભારત નહીં જાય. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મજારીએ કહ્યું કે મારો અંગત અભિપ્રાય છે કે જ્યારથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મારા મંત્રાલય હેઠળ આવ્યું છે ત્યારથી તે સ્પષ્ટ છે કે જો ભારત તેની એશિયા કપ મેચો માટે તટસ્થ સ્થળની માંગ કરશે તો અમે પણ આ જ માગણી રાખીશું. 


2 જગ્યાએ રમાવવાની છે મેચો -
એશિયા કપના સ્થળને લઈને BCCI અને PCB વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાને કર્યું હતું, પરંતુ BCCIએ સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમ પાકિસ્તાન નહીં જાય. આ પછી PCBએ હાઇબ્રિડ મૉડલનો પ્રસ્તાવ મૂક્યો. આ મુજબ ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે અન્ય 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચો માત્ર શ્રીલંકામાં જ રમાશે અને ફાઈનલ પણ અહીં જ રમાશે. જોકે, 31 ઓગસ્ટથી યોજાનારી ટૂર્નામેન્ટનું શિડ્યૂલ હજુ આવ્યું નથી.


અહેસાન મજારીએ જણાવ્યું કે, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આ સમિતિનું નેતૃત્વ કરશે. હું એ 11 મંત્રીઓમાંથી એક છું જે આ સમિતિનો ભાગ છે. અમે આ મુદ્દે ચર્ચા કરીશું અને વડા પ્રધાનને અમારી ભલામણ કરીશું, જેઓ PCBના પેટ્રન-ઇન-ચીફ પણ છે. અંતિમ નિર્ણય વડાપ્રધાને લેવાનો છે. તેમણે કહ્યું કે સમિતિ આવતા અઠવાડિયે ગમે ત્યારે પોતાનો રિપોર્ટ વડાપ્રધાન સાથે શેર કરી શકે છે. આ તે સમય હશે જ્યારે પીસીબીના નવા વડા ઝકા અશરફ દક્ષિણ આફ્રિકામાં ICCની બેઠકમાં ભાગ લેશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના વડા અને બીસીસીઆઈના સચિવ જય શાહ હાલમાં બેઠક માટે ડરબનમાં છે. અહીં એશિયા કપ અને વર્લ્ડકપ વિશે ચર્ચા થવાની આશા છે.


ખેલ મંત્રી એહસાન મજારીએ કહ્યું કે તેઓ એશિયા કપ હાઇબ્રિડ મૉડલના પક્ષમાં નથી. પાકિસ્તાન ટૂર્નામેન્ટનું યજમાન છે, તેને તમામ મેચ ઘરઆંગણે યોજવાનો અધિકાર છે. ક્રિકેટ પ્રેમીઓ પણ એવું જ ઈચ્છે છે. તેણે કહ્યું કે જ્યારે મેં સાંભળ્યું કે પાકિસ્તાનની મેચ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે હું હસ્યો કારણ કે સંબંધો એકતરફી ન હોઈ શકે. ભારતે પણ અમારી સાથે રમવા માટે અહીં આવવું પડશે.