Oman Muscat firing: ઓમાનમાં એક મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઓમાન પોલીસે મંગળવારે આ જાણકારી આપી.  રોયલ ઓમાન પોલીસે ઓનલાઈન જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ગોળીબાર ઓમાનની રાજધાની મસ્કતના વાડી કબીર વિસ્તારમાં થયો હતો. આ ફાયરિંગમાં એક ભારતીય નાગરિક સહિત છ લોકોના મોત થયા છે. પોલીસે આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે જણાવ્યું ન હતું અને હુમલાને અંજામ આપનારા શંકાસ્પદ કોણ હતા તે અંગે પણ કોઈ માહિતી આપી નથી.


ઓમાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ કરી


ઓમાનમાં ભારતીય દૂતાવાસે ગોળીબારમાં માર્યા ગયેલાઓમાં એક ભારતીય નાગરિકનો સમાવેશ હોવાની પુષ્ટિ કરી છે. 15 જુલાઈના રોજ મસ્કત શહેરમાં બનેલી ગોળીબારની ઘટના બાદ ઓમાન સલ્તનતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે એક ભારતીય નાગરિકનું મોત થયું છે અને અન્ય એક ઘાયલ થયો છે. શોક વ્યક્ત કરતા, દૂતાવાસે કહ્યું, મૃતકોના પરિવારજનોને તમામ સહાય પૂરી પાડવામાં આવશે.






ચાર પાકિસ્તાની નાગરિકોના મોત


પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં સામેલ ત્રણ બંદૂકધારી માર્યા ગયા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું, આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર પાકિસ્તાનીઓ માર્યા ગયા છે. આ સિવાય 30 પાકિસ્તાનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


એએફપીના અહેવાલ અનુસાર, ઓમાનમાં પાકિસ્તાનના રાજદૂત ઈમરાન અલીએ કહ્યું કે આ મસ્જિદની મુલાકાત મોટાભાગે દક્ષિણ એશિયાના પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઓમાનમાં ઓછામાં ઓછા 4 લાખ પાકિસ્તાનીઓ રહે છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે કહ્યું કે તેઓ આ આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છે.


યુએસ એમ્બેસી તેના નાગરિકોને એલર્ટ કર્યા


ગોળીબાર બાદ મસ્કતમાં યુએસ એમ્બેસીએ સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. ટ્વિટર પર પોસ્ટ કરીને લખવામાં આવ્યું, અમેરિકન નાગરિકોએ જાગ્રત રહેવું જોઈએ અને સ્થાનિક સમાચારોનું નિરીક્ષણ કરવું જોઈએ. અમારા નાગરિકોએ સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.






શિયા મુસ્લિમો મસ્જિદમાં 'આશુરા' મનાવી રહ્યા હતા


ઓમાનમાં શિયા મુસ્લિમો મંગળવારે 'આશુરા'ની ઉજવણી કરી રહ્યા હતા. આ દિવસે, શિયાઓ 7મી સદીમાં પયગંબર મહમ્મદના પૌત્ર ઇમામ હુસૈનની લડાઇમાં શહાદતને યાદ કરે છે. ઘણા શિયા મુસ્લિમો આ દિવસે ઇરાકમાં ઇમામ હુસૈનની દરગાહની મુલાકાત લે છે. તેઓ ઉપવાસ પણ રાખે છે. ઓમાનની 86% વસ્તી મુસ્લિમ છે. તેમાંથી 45% સુન્ની મુસ્લિમો અને 45% ઈબાદી મુસ્લિમો છે. દેશમાં શિયાઓની વસ્તી 5% છે.