‘One Big Beautiful Bill’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચર્ચાસ્પદ 'વન બિગ બ્યૂટીફૂલ બિલ' ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા 218-214 ના માર્જિનથી પસાર થયું હતુ, જેને તેમના બીજા કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાંથી પસાર થયા બાદ આ બિલ હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. બિલ પર મતદાન દરમિયાન બે રિપબ્લિકન સાંસદોએ પાર્ટી લાઇન તોડીને ડેમોક્રેટિક પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હતું.

Continues below advertisement






બિલ પસાર થયા પછી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સાંજે 5 વાગ્યે તેમના મોટા કર મુક્તિ અને ખર્ચ ઘટાડા બિલ પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે. 4 જૂલાઈના રોજ હસ્તાક્ષર સમારોહ એવા સમયે થશે જ્યારે આ રજાના પ્રસંગે વ્હાઇટ હાઉસ ખાતે પિકનિકનું આયોજન કરવામાં આવશે.


800થી વધુ પાનાના આ બિલને પસાર કરાવવા માટે ટ્રમ્પને સખત મહેનત કરવી પડી હતી. આ બિલ માટે GOP નેતાઓએ પણ મહેનત કરવી પડી અને ટ્રમ્પે પણ પૂરતા મત મેળવવા માટે હોલ્ડઆઉટ્સ પર વ્યક્તિગત રીતે દબાણ કર્યું હતું.






આ બિલમાં કરવેરા કાપ, લશ્કરી બજેટ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે વધારાનો ખર્ચ, તેમજ આરોગ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી મુખ્ય જોગવાઈઓ સામેલ છે. આ બિલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મોટા પાયે દેશનિકાલ માટે ખર્ચ વધારવા સાથે પણ સંબંધિત છે. જ્યારે અન્ય વિરોધીઓ માને છે કે આ ખર્ચ દેશના આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને અસર કરે તેવી શક્યતા છે. આ કારણોસર ઉદ્યોગપતિ મસ્ક સહિતનો એક મોટો વર્ગ આ બિલની વિરુદ્ધ છે અને તેની ટીકા કરી રહ્યો છે.


ટ્રમ્પ વહીવટીતંત્રના મતે આ બિલ 2017ના ટેક્સ કટ અને જોબ્સ એક્ટને કાયમી ધોરણે લાગુ કરવા તેમજ તેમના ચૂંટણી વચનો પૂરા કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જોકે, બિલ પસાર થવાથી કોંગ્રેસમાં મતભેદો ઉભા થયા છે.


જેડી વેન્સે ખુશી વ્યક્ત કરી


ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી છે અને બધાને અભિનંદન આપ્યા છે. તેમણે X પર લખ્યું હતું કે, 'બધાને અભિનંદન. ક્યારેક ક્યારેક મને શંકા થતી હતી કે અમે તેને 4 જૂલાઈ સુધીમાં પૂર્ણ કરીશું!' તેમણે આગળ લખ્યું હતું કે, 'પરંતુ હવે અમે સરહદને સુરક્ષિત કરવા માટે મોટા કરવેરા કાપ અને જરૂરી સંસાધનો આપ્યા છે.'


'બિલ પસાર થવું નિરાશાજનક છે'


યુનાઇટેડ ફૂડ એન્ડ કોમર્શિયલ વર્કર્સ ઇન્ટરનેશનલ યુનિયનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મિલ્ટન જોન્સે જણાવ્યું હતું કે કોંગ્રેસે આ હાનિકારક બિલ પસાર કર્યું છે જે કામ કરતા પરિવારોની જરૂરિયાતોને અવગણે છે અને એવો કાપ મૂકે છે જે ફક્ત ક્રૂર જ નહીં, પણ આર્થિક રીતે બેદરકાર પણ છે.