Oropouche Virus: બ્રાઝિલમાં ઓરોપોચે વાયરસ (Oropouche Virus)થી વિશ્વમાં પ્રથમ વખત મૃત્યુ નોંધાયા છે. આ એક અજ્ઞાત બીમારી છે જે સંક્રમિત માખીઓ અને મચ્છરના કરડવાથી ફેલાય છે. ગુરુવારે બ્રાઝિલના બહિયા (Bahia)માં બે મહિલાઓનું આ વાયરસથી મૃત્યુ થયું. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય અનુસાર, બંને મહિલાઓની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. આ વાયરસના લક્ષણો ડેન્ગ્યુ જેવા છે.


આ વાયરસ દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા અને કેરેબિયનના કેટલાક ભાગોમાં જોવા મળ્યો છે. PAHO એ કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં પાંચ દેશો: બ્રાઝિલ, બોલિવિયા, પેરુ, ક્યુબા અને કોલંબિયામાં ઓરોપોચે વાયરસના 7,700થી વધુ કેસ મળ્યા છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય અનુસાર, એકલા બ્રાઝિલમાં 2024માં 7,236 કેસ નોંધાયા છે.


આ વાયરસની શોધ સૌપ્રથમ 1955માં ત્રિનિદાદ અને ટોબેગોમાં થઈ હતી, જે માખીઓના કરડવાથી ફેલાય છે, જોકે તે મચ્છરો દ્વારા પણ ફેલાઈ શકે છે. AFP એ તેના એક અહેવાલમાં જણાવ્યું, 'આ વાયરસ સીધો માણસથી માણસમાં ફેલાતો નથી. એનો અર્થ એ છે કે આ બીમારી ચેપી નથી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જતા મુસાફરો વાયરસને અન્યત્ર ફેલાવી શકતા નથી. પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઈઝેશન (PAHO) અનુસાર, બ્રાઝિલના અધિકારીઓ તાજેતરમાં આવેલા એવા અહેવાલોની તપાસ કરી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે સગર્ભા મહિલાઓથી આ વાયરસ અજન્મ બાળકોમાં ફેલાઈ શકે છે.


યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આ વાયરસના લક્ષણો ડેન્ગ્યુ જેવા છે. તેમાં સંક્રમિત વ્યક્તિને તાવ, સ્નાયુઓમાં દુખાવો, સાંધાઓમાં જકડામણ, માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, ઠંડી લાગવી અથવા પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા જેવા લક્ષણો દેખાય છે. ગંભીર કેસોમાં મેનિન્જાઇટિસ (મગજ અને કરોડરજ્જુની ઝીલીઓનો સોજો) જેવી જીવલેણ જટિલતાઓ થઈ શકે છે. વાયરસ માટે કોઈ ચોક્કસ સારવાર કે રસી નથી.


ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા તેના પરિવારના અન્ય વાયરસોની તુલનામાં, આ વાયરસ પર ઓછો અભ્યાસ થયો છે. આ વર્ષની શરૂઆતમાં લેન્સેટની સમીક્ષામાં આ વાયરસને "એક પ્રોટોટાઇપિક ઉપેક્ષિત બીમારી" કહેવામાં આવી હતી. સમીક્ષામાં કહેવામાં આવ્યું કે આ વાયરસમાં "એક મોટો ખતરો બનવાની ક્ષમતા છે" કારણ કે તે વ્યાપકપણે ફેલાઈ શકે છે અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઉભી કરી શકે છે.


કેવી રીતે બચાવ કરવો


આ વાયરસથી બચવા માટે સારો ઉપાય એ છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં માખીઓ અને મચ્છરના કરડવાથી બચો. PAHO અનુસાર, તમારા પગ અને હાથ ઢાંકો, બારીક જાળીવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમારી આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખો. તમારા વિસ્તારમાં ગંદકી કે પાણી ભરાવા ન દો. માખી, મચ્છર ભગાડવાની ક્રીમ કે લોશનનો ઉપયોગ કરો.