નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસની સૌથી પહેલી ચેતવણી આપનારા ડૉક્ટર લી વેનલિયાંગના મોતથી લોકોમાં ગુસ્સો વધી ગયો છે. ઘણા ચીની નાગરિકો સોશિયલ મીડિયામાં સરકાર વિરૂદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે સરકારને ડૉક્ટરની મોતના તપાસના આદેશ આપ્યા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 636 લોકોના મોત થયા છે. કોરોના વાયરસના શંકાસ્પદ કેસ પણ વધીને 31,161 થયા છે.


વુહાનમાં કોરોના વાયરસની ચપેટમાં આવતા 34 વર્ષના વેનલિયાંગનુ ગુરૂવારે મોત થયું હતું. વેનલિયાંગે જાન્યુઆરીની શરૂઆતમાં વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. એ સમયે પોલીસે તેમની ચેતવણીને અફવા માની તેમની સામે કાર્યવાહીની ધમકી આપી હતી.

3 જાન્યુઆરીએ તેમની પાસે બળજબરીપૂર્વક એક પત્ર પણ લખાવવામાં આવ્યો હતો કે તેમણે સોશિયલ મીડિયાની વ્યવસ્થાને બગાડી છે. આ વાત સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. ચીનના વુહાન શહેરથી દુનિયાના 31 દેશોમાં આ વાયરસ પહોંચી ગયો છે.