નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જ્યાં એક તરફ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ છે અને પાડોશી દેશ યુદ્ધની ધમકી આપી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાને પોતાના અન્ય પાડોશી દેશ અફઘાનિસ્તાનની સરહદ પર છેલ્લા ત્રણ દિવસમા 200 મિસાઇલ ફેંકી છે. પાકિસ્તાન તરફથી આ મિસાઇલ અફઘાનિસ્તાનના કુનાર પ્રાન્તના ક્ષેત્રમાં ફાયર કરવામાં આવી છે. કુનાર પ્રાન્તના રાજ્યપાલના પ્રવક્તા અબ્દુલ ઘાનીએ આ જાણકારી આપી હતી. સ્થાનિક મીડિયા ટોલો ન્યૂઝના કહેવા પ્રમાણે, આ મિસાઇલથી ચાર ઘર સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યા હતા. જોકે, આ મિસાઇલ હુમલામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા અથવા માર્યા ગયા છે તેની કોઇ જાણકારી હજુ સુધી મળી શકી નથી.
રિપોર્ટ અનુસાર, આ તમામ મિસાઇલ જેહાદી આતંકી સંગઠન તહરિક-એ-તાલિબાનના અડ્ડાઓ પર ફાયર કરાઇ છે જે પઝહોક વિસ્તારમાં હતા. અફઘાની એજન્સીઓના સૂત્રોના મતે સરહદ પારથી ભારે હથિયારોથી ફાયરિંગ છેલ્લા કેટલાક દિવસથી સતત થઇ રહી છે જેનાથી લોકોમાં ભયનો માહોલ છે.
નોંધનીય છે કે તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન માટે પડકાર બની ચૂક્યું છે. પાકિસ્તાની સૈન્યએ એક મોટી ટૂકડી ઘણા સમયથી તેમની સામે જંગ લડી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. બંન્ને તરફથી ભારે ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇમરાન ખાનને ભારત સાથે વાતચીત મારફતે ઉકેલ લાવવાની સલાહ આપી છે.