નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જવાના છે. ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા 22 સપ્ટેમ્બરના એનઆરજી સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ ફૂટબોલ મેચો માટે જાણીતું છે. તેની ક્ષમતા 50 હજાર દર્શકોની છે. આ કાર્યક્રમને સફળ બનાવવા એક હજાર વોલંટિયર્સ અને 650 સંગઠનો કામે લાગ્યા છે. હાલમાં  આ કાર્યક્રમ માટે 50 હજાર લોકો બુકિંગ કરાવી ચુક્યા છે. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે પરંતુ તે માટે પાસ લેવો જરૂરી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી 20થી 23 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં હિસ્સો લેવા અમેરિકા જશે. આ દરમિયાન તેઓ 22 સપ્ટેમ્બરના રોજ સંમેલનને સંબોધશે.

એક રિપોર્ટ અનુસાર, આગામી મહિને યોજાનારા આ કાર્યક્રમ ‘હાઉડી મોદી’ માટે અત્યાર સુધીમાં 50 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ મોદીના કાર્યક્રમ દરમિયાન ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેયરમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યો હતો જેમાં 18 હજારથી વધુ પ્રશંસક એકઠા થયા હતા. ઉત્તરી અમેરિકામાં કોઇ ભારતીય વડાપ્રધાનના લાઇવ કાર્યક્રમમાં આ અત્યાર સુધીમાં સૌથી વધુ ઓડિયન્સ હશે. પોપ ફ્રાન્સિસને છોડીને વડાપ્રધાન મોદી પ્રથમ વિદેશી નેતા હશે જેમના કાર્યક્રમમાં આટલા લોકો સામેલ થશે.

મોદી આગામી મહિને અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ 27 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આ અગાઉ તેઓ હ્યુસ્ટનમાં બિઝનેસમેન, રાજનીતિજ્ઞ અને સામુદાયિક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ અમેરિકાનું ચોથુ સૌથી મોટું શહેર છે. જ્યાં 1.3 લાખ ભારતીય અમેરિકન રહે છે.