Pak On Chandrayaan-3: ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને માત્ર દેશભરના લોકો જ આતુર નથી, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંગળવારે (22 ઓગસ્ટ) પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસૈને ચંદ્રયાન-3ને લઇને ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.                 

  


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પાકિસ્તાનના પૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ હુસૈને ઘણી વખત ઇસરોની મજાક ઉડાવી હતી. આ પછી, મંગળવારે (22 ઓગસ્ટ) ભારતને અભિનંદન આપતા તેમણે X (Twitter) પર તેમના દેશની સરકારને ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ કરવા વિનંતી કરી હતી.                                                            






ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડિંગ લાઇવ બતાવવાની કરી વાત                                  


X (Twitter) પર ફવાદ હુસૈને સાંજે 6:15 વાગ્યે પાક મીડિયાને ચંદ્રયાન-3નું  લેન્ડિંગ લાઈવ બતાવવાની વાત કરી હતી. તેમણે તેને માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે ખાસ કરીને ભારતના લોકો અને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ ફવાદ હુસૈને ભારતના અવકાશ અને વિજ્ઞાન સમુદાયના લોકોને 14 જુલાઈના રોજ અભિનંદન આપ્યા હતા, જ્યારે ઈસરોએ ત્રીજું ચંદ્ર મિશન લોન્ચ કર્યું હતું.                  


વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશનની નિષ્ફળતા બાદ ફવાદ હુસૈન ચૌધરીએ ઈસરોને જોરદાર ટ્રોલ કર્યું હતું. બીજા ચંદ્ર મિશન પર 900 કરોડ રૂપિયા ખર્ચવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે અજાણી જગ્યાએ કામ કરવું શાણપણ નથી.


નોંધનીય છે કે બીજી તરફ, ચંદ્રયાન-3 બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.