Pakistan: પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાનમાં સોમવારે મોડી રાત્રે થયેલા એક અલગતાવાદી આતંકવાદી હુમલામાં બે નાગરિકો સહિત 15 લોકો માર્યા ગયા હતા.


પાકિસ્તાની સેનાની ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન એજન્સી (ISPR) એ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં માચ અને કોલપુર પરિસરો પર હુમલો કર્યો હતો. ISPRએ જણાવ્યું કે, આસપાસના વિસ્તારમાં તરત જ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી હતી. આ ગ્રુપનો ઉદ્દેશ્ય ખનિજ સમૃદ્ધ બલૂચિસ્તાન માટે સ્વતંત્રતા હાંસલ કરવાનો છે, જે વિસ્તારની દૃષ્ટિએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે પરંતુ વસ્તીની દૃષ્ટિએ સૌથી નાનો છે.






BLA થી કાંપે છે પાકિસ્તાનની આર્મી


નોંધનીય છે કે બલૂચિસ્તાનમાં બે મુખ્ય કબીલાઓ છે- મારી અને બુગતી. આ બંને BLA પર પ્રભુત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ઘણા વિસ્તારોમાં તેમનો ડર એટલો વધારે છે કે પાકિસ્તાની સેના જમીન પર ઉતરવાની હિંમત નથી કરતી, તેથી માત્ર હવાઈ હુમલા કરે છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે BLAના સભ્યોને રશિયાની ભૂતપૂર્વ ગુપ્તચર સંસ્થા KGB પાસેથી તાલીમ લીધી છે.     


બલૂચ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે


પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે ગયા અઠવાડિયે શનિવારે સ્વીકાર્યું હતું કે બલૂચિસ્તાનના લોકો માત્ર અસંતુષ્ટ નથી પરંતુ અલગ દેશની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પહેલીવાર કોઈ નેતાએ બલોચની આકાંક્ષાઓને સ્વીકારી છે. બલૂચિસ્તાન પોસ્ટના અહેવાલ મુજબ, કાકરે ઇન્ટરવ્યૂ દરમિયાન બલૂચિસ્તાનમાં લોકોને ગુમ કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરી હતી. પડકારોને સ્વીકારીને તેમણે ગુમ થયેલા લોકોની વાપસી પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે બલૂચિસ્તાનના લોકો અલગ ઓળખ ઇચ્છે છે, આ સમસ્યાનું મૂળ છે. આ પહેલા ભાગ્યે જ કોઈ પાકિસ્તાની નેતાએ આ અંગે સ્વીકાર કર્યો હતો.