Pakistan Former PM : પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અને જામીન બાદથી આજદિન સુધી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. અહીં રાજકીય પક્ષો સામસામે આવી ગયા છે અને લોકો રસ્તા પર છે. તેવામાં ઈમરાન ખાનનો ઘડો લાડવો કરી દેવાનો તખ્યો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજે પાકિસ્તાનની સંસદમાં પીટીઆઈના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ઈમરાન ખાનને જામીન આપનારા ન્યાયાધીસને પણ પદ પરથી હટાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. 


નેશનલ એસેમ્બલીમાં સત્તાધારી ગઠબંધનમાં આસિફ અલી ઝરદારીની પાર્ટીના સાંસદ રાજા રિયાઝ અહેમદ ખાને ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઉઠાવતા કહ્યું હતું કે, યહૂદીઓના એજન્ટને જાહેરમાં ફાંસી આપવી જોઈએ, પરંતુ અદાલતો તેમનું સ્વાગત કરી રહી છે જાણે કે તે તેમનો જમાઈ હોય.


આ સાથે જ નેશનલ એસેમ્બલી (NA)એ પાકિસ્તાનના ચીફ જસ્ટિસ (CJP) જસ્ટિસ ઉમર અતા બંદિયાલ વિરુદ્ધ રેફરન્સ દાખલ કરવા માટે એક સમિતિની રચના અંગેનો ઠરાવ પસાર કર્યો છે. આ કિસ્સામાં, સંસદમાં નિંદા પ્રસ્તાવ લાવી શકાય છે.


સુપ્રીમ કોર્ટ સામે શાસક ગઠબંધનનું પ્રદર્શન


બીજી તરફ, પીડીએમએ સુપ્રીમ કોર્ટની સામે ઇમરાનની મુક્તિ સામે વિરોધ શરૂ કર્યો છે. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં અડ્ડો જમાવી દીધો છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) એક સંગઠન છે જેમાં ઘણા પક્ષોનો સમાવેશ થાય છે. તેમાં સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUIF) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સહિત અનેક પક્ષો સામેલ છે.


સત્તાધારી ગઠબંધનના પક્ષો વતી ઈમરાનને સમર્થન આપવા બદલ ન્યાયતંત્ર સામે મોરચો ખોલી દીધો છે. પાકિસ્તાનના શાસક ગઠબંધનમાં શામેલ એવા એક ઇસ્લામવાદી પક્ષે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને કેટલાક કેસોમાં કથિત રીતે "રાહત" આપવા બદલ સોમવારે સુપ્રીમ કોર્ટ સહિત દેશની ન્યાયતંત્ર સામે વિરોધ કર્યો હતો.


ઈમરાનને જામીન આપનાર ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી


સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ઈમરાનને જામીન મળી ગયા હતા. હવે પાકિસ્તાન સરકાર ખુલ્લેઆમ બંદિયાલના વિરોધમાં ઉતરી આવી છે. સરકારે તેમની સામે નિંદાની દરખાસ્ત લાવવાનો નિર્ણય કર્યો છે.


આ સંદર્ભમાં, નેશનલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ સંદર્ભો તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિની માંગ કરવામાં આવી છે. શાસક ગઠબંધન સરકારે ન્યાયતંત્ર પર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની તરફેણ કરવાનો, રાજકારણમાં સામેલ થવા અને 9 મેના હુમલાખોરોને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે.


અગાઉ, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ, JUI-F નેતા અસદ મેહમૂદ અને અન્યોએ CJP બંદિયાલના કથિત બેવડા ધોરણો પર નારાજગી વ્યક્ત કરી હતી. આ હંગામાની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ કેસની તપાસમાં સામેલ થવા કહ્યું છે.


સુપ્રીમ કોર્ટની બહાર દેખાવો કરવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી


'ડોન ન્યૂઝ'ના અહેવાલ અનુંસાર, દેશની રાજધાનીમાં કલમ 144 લાગુ હોવા છતાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકરો અને સમર્થકો સહિત ઘણા વિરોધીઓ 'રેડ ઝોન' (પ્રતિબંધિત વિસ્તાર) માં પ્રવેશ્યા હતા. 13 રાજકીય પક્ષોના દેશના શાસક ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના વડા મૌલાના ફઝલુર રહેમાને શુક્રવારે જાહેરાત કરી હતી કે, તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાનને કથિત ન્યાયિક સમર્થન સામે વિરોધ કરવા સોમવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ધરણા કરશે. 


વિરોધીઓ 'રેડ ઝોન'માં પ્રવેશ્યા


જિયો ન્યૂઝે ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તાના હવાલાથી કહ્યું હતું કે, “PDM કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટના ગેટની બહાર જમા થઈ ગયા હતાં. વિરોધીઓ 'રેડ ઝોન'માં પ્રવેશ્યા હતા, પરંતુ પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. વિરોધ સ્થળ પર JUI-F અને સત્તાવાળાઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ પક્ષે કોર્ટ પરિસરની બહાર વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈમરાન ખાનના જામીન મંજૂર કર્યા હતા. ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસના સંબંધમાં એકાઉન્ટેબિલિટી કોર્ટ દ્વારા તેને આઠ દિવસ માટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.


પાકિસ્તાનની અસેમ્બલીએમાં ઈમરાન ખાનને ફાંસીના માચડે ચડાવી દેવાની માંગ ઉઠી છે. જેને લઈને પાકિસ્તાનમાં રાજકીય મામલો ગરમાયો છે. જાહેર છે કે, પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોના પિતા જુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસી આપી દેવામાં આવી હતી. હવે ઈમરાન ખાન સાથે પણ આમ જ કરવામાં આવશે કે કેમ તેને લઈને દુનિયાભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. 


પ્રદર્શન કરીને ચીફ જસ્ટિસને ડરાવવાનો પ્રયાસ: ઈમરાન


ઈમરાન ખાને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની બહાર જેયુઆઈ-એફનું "ડ્રામા" કરવામાં આવી રહ્યું છે તેનો હેતુ માત્ર પાકિસ્તાનના ચીફ જસ્ટિસને ડરાવવાનો છે જેથી તેઓ બંધારણ મુજબ નિર્ણય ન લે. ખાનની ધરપકડ બાદ, મંગળવારે સમગ્ર પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો શરૂ થયા, જે શુક્રવાર સુધી ચાલુ રહ્યા. આ પ્રદર્શનોમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા અને ડઝનબંધ સૈન્ય અને સરકારી સંસ્થાઓના પરિસરને નુકસાન થયું હતું.