નવી દિલ્હીઃ પાકિસ્તાને ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી નથી. એટલું જ નહી તેણે ભારતીય ઉડાણો માટે કોઇ માર્ગમાં ફેરફાર કર્યો નથી. પાકિસ્તાની સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તા મુજતબા બેગે કહ્યું કે, એરમેનની નોટિસમાં કોઇ ફેરફાર આપવામાં આવ્યો નથી અને તમામ ઉડાણો અગાઉની જેમ સંચાલિત થઇ રહી છે.


તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભારત માટે પોતાનું એરસ્પેસ બંધ કર્યું નથી. એટલું જ નહી ભારતીય ઉડાણ માટે કોઇ રૂટ બંધ કરવામાં આવ્યો નથી ના કોઇ ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયામાં આવેલી કેટલીક ખબરો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે, બંન્ને દેશો વચ્ચે નવા તણાવ બાદ એક પણ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.

વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે, પાકિસ્તાને ભારત માટે પોતાના એરસ્પેસ પર પ્રતિબંધ લગાવ્યો નથી. આ ભારતીય ઉડાણો માટે ખુલ્લો છે. જોકે અગાઉ એવા સમાચાર હતા કે કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાના જવાબમાં પાકિસ્તાને ભારત સાથે કૂટનીતિક સંબંધો ઓછા કરવાના નિર્ણય બાદ ભારતીય ઉડાણો માટે કેટલાક માર્ગ બંધ કરી દીધા હતા. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરથી કલમ 370 રદ કરવા અને રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના કારણે પાકિસ્તાને ભારત સાથે તણાવ વધારવા માટે અનેક પગલાભર્યા છે.