ઇસ્લામાબાદઃપાકિસ્તાની સૈન્યએ શુક્રવારે દાવો કર્યો હતો કે તેમણે દેશમાં નિર્મિત 100 કિલોમીટરથી વધુની રેન્જ સુધી માર કરી શકે તેવા રોકેટને પોતાની સૈન્યમાં સામેલ કર્યા છે. ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેસન્શે કહ્યું કે, રોકેટ એ-100 પાકિસ્તાની વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ દેશમાં બનાવ્યા છે.

પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગે કહ્યું કે, 100 કિલોમીટરથી વધુની મારક ક્ષમતાની સાથે રોકેટ ખૂબ અસરદાર છે જે દુશ્મનને એક થતા રોકી શકે છે. આ સમારોહમાં સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા મુખ્ય અતિથિ હતા. બાજવાએ રોકેટ બનાવનારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની સૈન્ય મજબૂત થઇ છે અને તેમની ક્ષમતા દિવસે દિવસે વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ભારતમાં હથિયારોની રેસ લાગી હોય તેવું લાગી રહ્યું છે. બંન્ને પાડોશી દેશો વચ્ચે કાશ્મીર મુદ્દા પર વારંવાર તણાવ ઉભા થાય છે. આ સાથે નિયંત્રણ રેખા પર પણ સ્થિતિ ગંભીર બની રહે છે. બંન્ને દેશો પરમાણુ શક્તિ ધરાવતા દેશ છે.